ઓલપાડ તાલુકાના કોરોનામુક્ત ૧૭ ગ્રામજનોએ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાંથી પાંચ ગ્રામજનોએ આજે ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં નવી સિવિલની બ્લડ બેંક ખાતે પહોંચી પ્લાઝમા ડોનેટ કર્યા હતા. ૧૨ ગ્રામજનો તા.૨૪મીએ પ્લાઝમા ડોનેટ કરશે. ઓલપાડના ખેડૂતો, રત્નકલાકારો અને નાના વ્યવસાયીઓ એવા આ ૧૭ જાગૃત્ત ગ્રામજનોએ પ્લાઝમા દાન માટે સંકલ્પબદ્ધ થઈ સમાજને માનવીય સંવેદના સાથે પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના જંગમાં કોરોનામુક્ત લોકો પ્લાઝમા દાન માટે આગળ આવે તે હેતુથી ઓલપાડ તાલુકામાં લોકોને જાગૃત્ત કરી રહ્યાં છીએ. જેમાં ઓલપાડ વિધાનસભાના ૧૭ ગ્રામજનોએ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવતા તેમની યાદી નવી સિવિલ બ્લડ બેંકને આપવામાં આવી હતી. જેમાં આજે ૦૫ દાતાઓની ટીમ સાથે અહીં પ્લાઝમા ડોનેટ કરાવ્યાં છે. આ દાતાઓમાં કોઈ ખેડૂત છે, તો કોઈ રત્ન કલાકાર અને અન્ય નાના મોટા વ્યવસાય અને નોકરી કરતાં ગ્રામજનો છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કરવામાં આવેલી અપીલથી પ્રેરિત થઈને પ્લાઝમા ડોનેટ કર્યું છે. આગામી દિવસોમાં હજુ પણ વધુમાં વધુ પ્લાઝમા ડોનરો આગળ આવે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છીએ.
આ વેળાએ ઓલપાડ તાલુકાના ઉમરા-૨ ગામમાં રહેતા પ્લાઝમા ડોનરશ્રી હિતેષભાઈ પટેલે જણાવ્યું કે, હું ૨૮ જુનના રોજ કોરોનાગ્રસ્ત થયો હતો. ૦૪ દિવસ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લઈ હોમ કવોરન્ટાઈન રહી સ્વસ્થ થયો હતો. કોરોનાની મહામારીમાં પ્લાઝમા ડોનેટ કરવું એ સૌથી મોટી સેવા છે. પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે?
નવી સિવિલ બ્લડ બેંકના ડો. મયુર જરગે જણાવ્યું હતું કે, સિવિલની પ્લાઝમા બેન્કમાં આજ સુધી કુલ ૧૯૦ જેટલા કોરોનામુક્ત લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે. મુકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, પ્લાઝમા દાનના ઉમદા કાર્યમા પ્લાઝમા ડોનેટ કરવા ગ્રામજનોને તેઓ પ્રેરિત કરી રહ્યા છે જે સરાહનીય છે. શહેરીજનોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્લાઝમા દાન માટે ખુબ જાગૃત્તિ આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500