જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી,માધ્યમિક/પ્રાથમિક શિક્ષક સંઘ તથા રોટરી કલબ વ્યારાના સંયુક્ત ઉપક્રમે વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ક્ઝાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતુ કે, રક્તદાન એ મહાદાન છે, રક્તદાનથી આપણે અનેકની જીંદગી બચાવી શકીએ છીએ. ત્યારે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીમાં યોજવામાં આવેલ રક્તદાન કેમ્પથી ઘણી જરૂરતમંદ વ્યક્તિઓનું જીવન બચી જશે. કલેક્ટરશ્રીએ શિક્ષકોનું જીવન હંમેશા ઉમદા કાર્યો કરવામાં જોડાયેલુ રહે છે. પછી બાળકોની કારકિર્દી ઘડતર, ચુંટણી હોય કે અન્ય કામગીરીમાં શિક્ષકોનું અમૂલ્ય પ્રદાન હોય છે. પરોપકારી કારકિર્દી એટલે જ શિક્ષક એમ જણાવી કોરોનાની મહામારી સમયે અન્યને મદદરૂપ થવાની સંવેદનાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ સહયોગી સંસ્થાઓ સાથે ઉપસ્થિત સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમવાર આ સંવેદનાસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અન્યના જીવનને બચાવવા માટેના સેવાકીય કાર્યમાં ઉત્સાહભેર રક્તદાતાઓએ સહભાગી થઈ પ્રેરણાપૂરી પાડી છે. યુ-ટ્યુબ પર આ કાર્યક્રમને રજુ કરતા ૬ હજાર સબક્રાઈબર મળ્યા છે તેમ જણાવી આગામી દિવસોમાં પણ આવા કેમ્પો યોજવામાં આવશે આજના કેમ્પમાં મળેલ રક્તનો ઉપયોગ તાપી જિલ્લામાં જ કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખશ્રી મહેરનોશ જોખી, મા.જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ બીપીન ચૌધરી સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ ,રોટરી કલબ/શિક્ષક સંઘના હોદ્દેદારો સહિત પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ કોલેજના યુવાનો તથા તાપી જિલ્લાના યુવક-યુવતિઓ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૩૯ વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરી આ ઉમદા સેવાકીય કાર્યમાં જોડાઈ COVID-19ની ગંભીર સ્થિતિને પંહોચી વળવા સહભાગી થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500