ડિંડોલી ખરવાસા રોડ સ્થિત ઓમનગર સોસાયટીમાં સોમવારે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ ડાયમંડ કર્મચારી સહિત બે જણાના મકાનમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા ૩.૯૪ લાખના મતાનો હાથફેરો કર્યો હતો જયારે ત્રીજા મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઍક સાથે ત્રણ મકાનના તાળા તુટતા પોલીસ દોડતી થઈ છે.
બનાવની ડિંડોલી પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી ખરવાસા રોડ ઓમનગર પાટીદાર વિભાગ-૨માં રહેતા અને વરાછા હીરાબાગ ડાયમંડમાં નોકરી કરતા ૪૩ વર્ષીય કનુભાઈ મણીલાલ પટેલ સોમવારે રાત્રે પરિવાર સાથે જમીને મકાનના ભોય તળિયે દરવાજાને અને લોખંડની ગ્રીલને તાળુ મારી પહેલા માળે સુઈ ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ લોખંડની ગ્રીલને મારેલુ તાળુ કોઈ સાધનથી તોડી અંદર પ્રવેશ કરી અંદરના રૂમના કબાટમાંથી રોકડા ૧,૫૦,૦૦૦, અને અલગ અલગ દાગીના અને તેમના બાજુમાં રહેતા મહેશ કરશનભાઈ પટેલના મકાનમાંથી રોકડા ૨૫,૦૦૦, પુજાના ડબ્બામાંથી ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા ૩,૯૪,૦૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા તસ્કરોએ કેવલ જીણાભાઈ પટેલના ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે સવારે ખબર પડતા પોલીસને જાણ કરતા ડીંડોલી પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા અને કનુભાઈની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500