ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના પગલે વડિયાના સૂરવો ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલાયા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીની નજીક અવરજવર ન કરવા સાવચેત કરાયા હતા. આ ઉરરાંત ભારે વરસાદને પગલે ઉજળા ગામની કમોત્રી નદીના ધસમસતા પ્રવાહમાં 6થી 7 ગાયો તણાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500