Tapi mitra News:સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, અને ધંધા– રોજગાર બંધ છે. તેવા સમયે રોજ કમાઈને પરિવારોનો જીવન નિર્વાહ ચલાવતા લોકોને તકલીફ ન પડે અને લોકડાઉનમાં પણ તેમને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રોજનું કમાઈને જીવન નિર્વાહ ચલાવતા પરિવારો ભૂખ્યા ન રહે તે માટે સમગ્ર રાજ્યમાં મનરેગા થકી રોજગારી ઉભી કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૨૪૯ ગ્રામ્ય પંચાયતમા આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી હાલ ૧૨,૮૬૭ શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે.
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામકશ્રી પી.કે.હડુલાઍ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં લોકડાઉનની પરીસ્થિતિમાં પણ સરકાર દ્રારા છેવાડાના ગરીબ માણસોને પુરતી રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા યોજના હેઠળ કામગીરી શરુ કરવામાં આવી છે. ઘર આંગણે રોજીરોટી મળી રહે તે માટે કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજનામાં જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સી, નવસારી દ્રારા ૨૪૯ ગ્રામ પંચાયતોમાં ૧૦૮૬ કામો પર ૧૨૮૬૭ શ્રમિકો કામ કરી રહયાં છે. જેમાં તળાવ ઊંડા કરવાના ૫૨ કામો, ચેકડેમ ડી-સિલ્ટીંગના ૨૩ કામો, જમીન સુધારણાના ૩૪ કામો, રસ્તાના ૧૮ કામો, રોડ સાઈડ કાચી ગટરના ૧૨૦ કામો અને ભ્પ્ખ્ળ્, હળપતિ તેમજ અન્ય આવાસના ૮૩૯ (મનરેગા સાથે કન્વર્ઝન) ના કામો મળી કુલ ૧૦૮૬ કામો ચાલુ છે. નવા દર મુજબ શ્રમિકોનુ ભથ્થુ રૂ.૨૨૪ મુકરર કરવામાં આવ્યું છે.આ દરેક કામોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શ્રમિકો કામ કરી રહયાં છે. શ્રમિકો પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં માસ્ક અને સેનેટાઈઝર સાથે રાખીને કામો શરુ કરવામાં આવ્યા છે તેમજ આરોગ્ય વિભાગની ટીમે પ્રાથમિક તપાસ પણ હાથ ધરી હતી. હજુ આગામી સમયમાં આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતોમાં કામો શરૂ થાય તે માટે પણ આયોજન કરવામાં આવી રહયુંં છે.જિલ્લામાં ચાલતા મનરેગાના કામો થકી રોજગારી મેળવી સંતોષ અનુભવતા શ્રમિકોના જણાવ્યા પ્રમાણે મનરેગાના કામો શરૂ થતા અમારા જેવા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે, અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ કામો લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ બન્યા છે.આમ, લોકડાઉનની પરિસ્થિતિમાં પણ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ આ કામોના પરિણામે જરૂરિયાતમંદ શ્રમિકો મનરેગાના માધ્યમથી રોજગાર મેળવી સ્વમાનભેર જીવી રહયાં છે. લોકોને રોજગારી પુરી પાડવાના રાજ્ય સરકારના આવા સંવેદનશીલ નિર્ણય અને અસરકારક પગલાંઓના કારણે ગ્રામ્ય જીવનમાં ધીરે ધીરે સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહયો છે.(આલેખન- રાજુકમાર જેઠવા, સહાયક માહિતી નિયામક, નવસારી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500