Tapi mitra News:વૈશ્વિક કોરોના મહામારીના સંકટના સમયમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલી છે, ત્યારે હીરા અને ટેક્ષટાઈલના વ્યવસાયો બંધ હોવાથી ગામડેથી આવીને સુરતમાં વસતાં લાખો ઉત્તર ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ પોતપોતાના વતન પરત જવાં ઇચ્છતાં હતા, જેમની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે વ્યાજબી ટિકિટ દરો રાખી એસ.ટી. બસ સેવા શરૂ કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમની બસોના સથવારે લાખો લોકો માટે ગામડે જવું આસાન બન્યું છે. કોરોના સંકટ વચ્ચે વતન જવા ઇચ્છતાં ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રવાસીઓએ લકઝરીની મોંઘી મુસાફરી છોડી એસ.ટી. બસ સેવા પસંદ કરી છે. આ બસોની સુવિધા દ્વારા સુરતથી પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ખાસ કરીને વરાછા, કતારગામ, સરથાણા, હીરાબાગ, ડભોલી, અમરોલી, વેડ રોડ, ઉધના, ભટાર સહિતના વિસ્તારોમાં વસતાં હજારો લોકોએ વતનની વાટ પકડી છે. દેશ ઝડપથી કોરોનાની મહામારીમાંથી મુક્ત થાય અને ફરી પાછાં સુરત આવીને ધંધા-રોજગારમાં પરોવાઈ જઈશું એવી આશા સાથે લોકો ગામડે જઈ રહ્યા છે. એસ.ટી. નિગમ દ્વારા મુસાફરો બસમાં પ્રવેશે તે પહેલા અને બસમાંથી ઉતરે તે પછી સેનિટાઇઝેશન પણ કરવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા ૩૦ મુસાફરોની મર્યાદામાં મુસાફરોને બેસાડવામાં આવે છે.
મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સેંજળીયા ગામના વતની અને કતારગામની ભગવાનનગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય સંજયભાઈ કેશુભાઈ ગોહિલ ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે, ૧૦ વર્ષ પહેલા ગામડેથી રોજગાર અર્થે આવી હું અહીં પરિવાર સાથે રહું છું, અને બાંધકામ- સેન્ટીંગ વર્ક સાથે સંકળાયેલો છું. હાલ કોરોના વાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સુરતના મુખ્ય વ્યવસાય એવા હીરા, જરી, ટેક્ષટાઈલ અને બાંધકામ ઉદ્યોગ બંધ છે. જેથી હું મારા પરિવાર સાથે સૌરાષ્ટ્ર જવા ઈચ્છતો હતો. બાંધકામ ઉદ્યોગ હાલના તબક્કે શરૂ થાય એવા કોઈએ અણસાર ન હોવાથી મારે પરિવાર સાથે ગામડે જવું હતું. પરંતુ વાહન વ્યવહાર બંધ હોવાથી વતન જઈ શકાય એમ ન હતું. આખરે રાજ્ય સરકારે અમારી લાગણીને સમજી એસ.ટી. બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેતાં અમારા આનંદનો પાર રહ્યો ન હતો. અમે સગા-સંબંધી અને ગામના લોકોનું ૩૦ વ્યક્તિઓનું ગ્રુપ બનાવી મુખ્ય બસ ડેપો પર ૩૦ સભ્યોની યાદી સાથેનું ફોર્મ અને ટિકિટના નાણા ભર્યા હતા. ૦૨ દિવસ પછી એસ,ટી. વિભાગમાંથી ફોન આવતાં અમારી બસ કન્ફર્મ થઈ ગઈ હતી. સુરતથી પાલિતાણાના પ્રતિ વ્યક્તિ માત્ર રૂ.૨૩૫ ટિકિટ દર છે. ૩૦ વ્યક્તિના ગ્રુપ માટે રૂ.૭૦૫૦ માં અમને આખી બસ ફાળવવામાં આવી છે. બપોરે ૩.૩૦ વાગ્યાનો બસનો સમય હોવાથી અમે સોસાયટીના ગેટ પર એકઠાં થયા છીએ. રાજ્ય સરકારે લકઝરી બસના મોંઘા ભાડાની સામે વ્યાજબી ભાવે ઉત્તમ પ્રકારની બસ સેવા પૂરી પાડી છે, જે બદલ અમે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનીએ એટલો ઓછો છે એમ તેઓ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500