દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ સારી થયા બાદ એકાએક વરસાદે વિરામ લેતા બફારાનું પ્રમાણ વધવા લાગ્યું છે દક્ષિણ ગુજરાતમાં કેટલાક તાલુકામાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન સામાન્ય ઝાપટા નોંધાયા છે જ્યારે મોટાભાગના તાલુકાઓમાં બે દિવસથી વરસાદનો વિરામ હોવાનું જાણવા મળે છે ઉકાઇ ડેમની સવારે ૧૦ કલાકે ૩૨૮.૬૯ ફૂટ સપાટી નોંધાઇ છે ડેમમાં ૨૭,૦૯૦ ક્યુસેક પાણીની આવક સામે ૮૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધારણા કરતાં વધુ ખેંચાઇ રહ્યા છે ખેડૂતોને સિંચાઇ અને શહેરી વિસ્તારના લોકો માટે આગામી સમયમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન થાય અને ઉકાઇ ડેમ લેવલ મુજબ ન ભરાય તો પાણીનું સંકટ માથે ઘેરાવાની આશંકા વર્તાઇ રહી છે. જોકે રાજ્યમાં વરસાદ ખેંચાતા સંકટના એંધાણ ધાણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જન્માષ્ટમીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ ભક્તો કૃષ્ણ રસમાં તો બીજી તરફ ખેડૂતો વર્ષાના હેતમાં તરબોળ બનશે એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ફલડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, બે દિવસથી સુરત જિલ્લામાં વરસાદે વિરામ ફરમાવતા છે નવસારીના ચીખલી ૭, ગણદેવી, ખેરગામ એક એક મી.મી. જ્યારે વાસદા ૬ મી.મી. ઉમરગામ અને પારડીમાં ૪ મી.મી. વલસાડ વાપી અને કપરાડામાં હળવા ઝાપટા વરસ્યા હતા. ડાંગ જિલ્લામાં વઘઇ, સુબીર તાલુકામાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે તેમજ તાપી જિલ્લાના સોનગઢ અને ડોલવણમાં સામાન્ય ઝાપટા નોંધાયા હોવાનું જાણવા મળ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સવારે ૧૦ કલાકે સપાટી ૩૨૮.૬૯ ફૂટ નોંધાઇ હતી. જ્યારે ડેમમાં ૨૭,૦૯૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ૮૦૦ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમની ૯ કલાકે ૨૧૦.૭૧૦ મીટર સપાટી નોંધાઇ હતી. જ્યારે ૬,૭૮૨ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનું ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યું હતું. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500