Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યભરમાં માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરાઈ : ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના નોંધાયા, ૧૦૩૯ આરોપીઓની ધરપકડ

  • February 05, 2023 

રાજયમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.



ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.



પોલીસ તંત્ર દ્વારા તા.૦૫ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે કુલ ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી ૧૦૩૯ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.



આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ ૨૩૮૯ લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ ૧૪,૬૧૯ પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ ૧,૨૯,૪૮૮ વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ/રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



વ્યાજખોરો વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.



આ ઉપરાંત તમામ પોલીસ કમિશ્નરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેન્કો/સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકુળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application