Tapi mitra News:સરથાણા પોલીસ મથકના હત્યા કેસમાં વચગાળાના જામીનની મુદ્દત લંબાવવા હાઇકોર્ટમાં માંદગીનું બોગસ સર્ટીફીકેટ રજૂ કરનાર હત્યારા અને તેની પત્ની ઉપરાંત માત્ર રૂ. ૨ હજારમાં સર્ટીફીકેટ લખી આપનાર લિંબાયતના સાંઇ દર્શન ક્લિનીક એન્ડ નસિ*ગ હોમના ડૉક્ટર સહિત ત્રણ વિરૂધ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લીંબાયત પોલીસે આ બનાવમાં ગતરોજ બોગસ સર્ટીફીકેટ લખી આપનાર ડૉક્ટરની ધરપકડ કરી હતી.
ફેબ્રુઆરી ૨૦૧૯માં સીમાડા વિસ્તારમાંથી કિરીટ મનજી વિરડીયાની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાના ગુનામાં સરથાણા પોલીસે હત્યારા અનિલ ઉર્ફે ભાણો ગોવિંદ વાઘાણીની ધરપક્ડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. અનિલે ગત તા. ૧૯ થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન ૧૦ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. પરંતુ ત્યાર બાદ તે પુનઃ લાજપોર જેલમાં હાજર થયો ન્હોતો અને તે દરમ્યાનમાં અનિલની પત્ની પરિતા વાઘાણીએ અનિલને ડેન્ગયુ અને કમળાની બિમારી હોવાથી વચગાળાના જામીનની મુદ્દત લંબાવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અનિલની સારવાર કરનાર લિંબાયતના સાંઇ દર્શન ક્લિનીક એન્ડ ર્નસિંગ હોમના ડૉ. રાજેશ રામકિશોર યાદવ નું સર્ટીફીકેટ અને મારૂતિ ક્લિનીકનો લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યો હોવાથી હાઇકોર્ટ દ્વારા આ અંગે સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ અંતર્ગત સાંઇ દર્શન ક્લિનીક એન્ડ ર્નસિંગ હોમના ડૉ. યાદવની પૂછપરછમાં સર્ટીફીકેટ તેમણે આપ્યાનું પરંતુ સારવારના કોઇ પુરાવા આપ્યા ન્હોતા. ઉપરાંત ક્લિનીકમાં માત્ર દર્દીના નામ-સરનામા અને ફી અંગનું રજીસ્ટર હોય છે પરંતુ તેમાં અનિલ વાઘાણીનું ક્યાંય નામ ન્હોતું. જેથી તા. ૫ એપ્રિલના રોજ જે સર્ટીફીકેટ લખી આપ્યું હતું તે માત્ર રૂ. ૨ હજાર લઇને લખી આપ્યાનું ડૉ. યાદવે કબૂલાત કરી હતી. ઉપરાંત જે મારૂતિ ક્લિનીકલ લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેવી લેબોરેટરી અને ડૉ. પ્રવિણ યાદવ પણ અસ્તિત્વમાં નહિ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી આ અંગે એસીપી સી.કે. પટેલે બોગસ મેડિકલ સર્ટીફીકેટ લખી આપનાર ડૉ. યાદવ અને વાઘાણી દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. લીંબાયત પોલીસે આ ગુનામાં ગતરોજ ડૉ. રાજેશ રામકિશોર યાદવની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application