Tapi mitra News:ડેંન્ગ્યુ ઍક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે જેના ચાર પ્રકાર છે. સામાન્ય ભાષામાં આ બિમારીને હાડકા તોડી નાંખતો તાવ કહેવામાં આવે છે કેમ કે આને લીધે શરીરના દરેક સાંધામાં ખુબ જ દુખાવો થાય છે. ડેન્ગ્યુ તાવ માદા ઍડીસ ઇજીપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. મચ્છર કરડયાંના ૩-૫ દિવસ પછી વ્યક્તિમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. સખત તાવ સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે. નાક, મો તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે. આ તાવના ત્રણ પ્રકાર છે. ૧. ક્લાસિકલ (સાધારણ) ડેન્ગ્યુ તાવ, ૨. ડેન્ગ્યુ હેમરેજીક તાવ (ડીઍચઍફ), ૩. ડેન્ગ્યુ શોક સિંડ્રોમ (ડીઍસઍસ). જેમાં ક્લાસિકલ જાતે જ સરખી થઈ જતી બિમારી છે અને આનાથી વ્યક્તિના મૃત્યુનો ભય પણ નથી રહેતો પરંતુ જો (ડીઍચઍફ) તેમજ (ડીઍસઍસ)ની તુરંત સારવાર શરૂ કરવામાં ન આવે તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના સાધારણ તાવની અંદર ઠંડીની સાથે અચાનક તાવ આવી જાય છે. માથામાં અને જોઈંટમાં દુખાવો થાય છે. વધારે નબળાઈ જણાય છે અને ભુખ પણ નથી લાગતી. મોઢાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. શરીર પર લાલ કલરના રેશા ઉપસી આવેલા દેખાય છે. ડીઍચઍફમાં સાધારણ તાવની સાથે સાથે નાક, પેઢા, શૌચ અને ઉલ્ટીમાંથી લોહી પડે છે. ત્વચા પર ડાર્ક નીલા અને કાળા રંગના ચકતા પડી જાય છે. લોહીનું અમુક પરિક્ષણ કરાયા બાદ ડીઍચઍફની પુષ્ટિ થઈ શકે છે. ડીઍસઍસમાં ઉપરના લક્ષણોની સાથે સાથે શોકની અવસ્થાના અમુક લક્ષણો પણ પ્રગટ થઈ જાય છે.
ડેન્ગ્યુ અટકાયત તેમજ સાવચેતીના પગલાં આ મુજબ પગલાં લેવા જાઇઍ. ડેન્ગ્યુ તાવ માદા ઍડીસ ઇજીપ્તી મચ્છરો દિવસે કરડે છે તેથી પુરેપુરુ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા. મચ્છર દિવસે કરડતાં હોવાથી દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો. મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવો. પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકેલા રાખવા.અઠવાડિયામાં ઍક દિવસ ડ્રાય ડે તરીકે ઉજવવો. તે દિવસે પાણી ભરવાના તમામ પાત્રો ટાંકી, કુલર, ફ્રીજની ટ્રે, ફુલદાનીનું પાણી ખાલી કરી અંદરની સપાટી સાફ કરી તમામ પાત્રો સુર્યપ્રકાશમાં સુકવી ફરીથી ભરવા.
આરોગ્ય કાર્યકર, આશા પાસે દર અઠવાડિયે પીવાના પાણી સિવાયના પાણીના તમામ પાત્રોમાં ટેમીફોસ નંખાવવું. આપના વિસ્તારમાં જયારે ફોગીંગ કરવા આવે ત્યારે ઘરની અંદર ફોગીંગ કરાવી, ઘરના તમામ બારી બારણાં ૪૦ થી ૪૫ મિનિટ સુધી બંધ રાખો. મચ્છરના કરડવાથી બચવું અને ડેન્ગ્યુ રોગને ઉદ્ભવતાં અટકાવવો તે રોગ થયા બાદની સારવાર કરતાં વધુ સલાહભર્યુ છે. આરામ કરવો અને પુષ્કળ માત્રામાં પ્રવાહી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત નવસારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500