Tapi mitra News-વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને અટકાવવા સરકારશ્રીએ લોકડાઉનના પગલા લીધા અને સમગ્ર દેશ થંભી ગયો. કોરોના વાઇરસની ભયાનકતા જોતા COVID 19 સંક્રમણને ફેલાતા અટકાવવા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લા વહીવટી તંત્રને સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમજ સરકારશ્રીના દિશા-નિર્દેશ અનુસાર કોઇપણ કચાશ ન રહે તેની કાળજી લીધી હતી.
આંતરરાજ્ય સરહદ ધરાવતા ડાંગ જિલ્લાની સરહદોને સીલ કરી પોલીસ અને આરોગ્ય વિભાગ ખૂબજ જટીલ કામગીરી કરી રહયું હતું. સરહદી માર્ગો ઉપર રોજગારી અર્થે અન્ય રાજ્યોમાં ગયેલ મજૂરો,નાના કટુંબો લોકડાઉનના સમય દરમિયાન પોતાના વતન જવા માટે અધીરા બન્યા હતા. અહીં ખાનગી વાહનો કે જાહેરસેવાઓ બંધ હોવાના કારણે આ લોકો પગપાળા માદરે વતનની વાટ પકડતા હતા. ડાંગ જિલ્લામાં ઈંટના ભઠ્ઠા ઉપર મજૂરી કરી ગુજરાન ચલાવતુ એક કુટુંબ મધ્યપ્રદેશ ના ખરગોન જિલ્લામાંથી અહીં રોજગારી માટે આવ્યું હતું. માલિકે કામ બંધ રહેતા આ પરિવારના કુલ-૭ સભ્યોને કાઢી મુક્યા હતા. આવા સમયે પોલીસ દ્વારા પુછપરછ કરાતા તેઓએ પોતાના વતન જવા માટે પગપાળા જંગલના માર્ગે જઇ રહયા હોવાનું જણાવ્યું હતું. ડાંગ જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરને આ વાતની જાણ થતા તુરંત તેમની મદદ કરી હતી. શેલ્ટર હોમમાં સૌપ્રથમ આ પરિવારના આરોગ્યની ચકાસણી કરી કવોરન્ટાઇન કરાયા હતા. અહીં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનના સમયે આવા લોકો માટે સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ ૩ શેલ્ટર હોમ કાર્યરત કરાયા હતા. જેમાં ગુજરાત પ્રવાસન વિભાગની હોટલ તોરણ, સાપુતારા ખાતે કુલ ૧૬૦ લોકો,વધઇ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ૪૫ લોકો અને આહવા આત્મા પ્રોજેકટ ખેડૂત તાલીમ કેન્દ્રમાં ૬૫ લોકો રહી શકે તે માટે વિનામૂલ્યે રહેવા-જમવા,ચા-નાસ્તાની સગવડ કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના દિનેશભાઇ પાંડુરામભાઇ નેહલે ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમણે અમારૂં ધણું ધ્યાન રાખ્યું છે. અમને ખૂબ સારી મદદ કરી છે. અમારી મધ્યપ્રદેશ સરકારને પણ જણાવવાનું કે અમારા જેવા ધણાં લોકો હશે કે જેઓ અમારી જેમ ફસાયા હશે તેઓની પણ મદદ કરે.પરિવારના સભ્યોએ પણ સરકારની મદદ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીતે વહીવટી તંત્ર વતી રાજસ્થાન,મધ્યપ્રદેશ રાજયોમાં વહીવટી તંત્ર સાથે સંપર્ક કરીને આ ફસાયેલા લોકો માટે તેમની ટીમ સાથે ભારે જહેમત ઉઠાવી હતી. ગુજરાત એસ.ટી. નિગમના ડેપો મેનેજરશ્રી જગદીશભાઇ ગાવિતે પણ સુંદર સહયોગ આપી સાપુતારા શેલ્ટરહોમ ખાતે ફસાયેલા લોકોને ગમે ત્યારે મોકલવાના સમયે તૈયાર હોવાનું જણાવ્યું હતું. સાપુતારા ટુરિઝમ મેનેજર શ્રી રાજુભાઇ ભોંસલેએ તમામ લોકોને પ્રવાસીઓને આપવામાં આવે તેવી જ સુવિધા પુરી પાડી નોડલ ઓફિસરની ફરજ અદા કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application