Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"કોરોના"ની સાઈડ ઇફેક્ટ:હાંસિયામાં ધકેલાએલી સર્જનશીલતાને પુન:જીવિત કરી એક સર્જકે "લોકડાઉન"ની આફતને અવસરમાં પલટી

  • April 07, 2020 

Tapi mitra News-"કોરોના"ના કહેરને લઈને આજે દેશ ભરમાં "લોકડાઉન" છે ત્યારે દરેક વ્યક્તિને પોતાના માટે, પોતાના પરિવારને માટે, અને પોતાના ગમતા શોખ માટે અનાયાસે જ ભરપૂર સમય મળી રહ્યો છે. કેટલાક લોકો આ અણમોલ સમયને સજા તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આ સમયને પોતાની જાત સાથે વાત કરવાનો ઉત્તમ સમય મળ્યો હોવાનું જણાવી તેનો સદઉપયોગ પણ કર્યો છે. વાત છે નવસારી જિલ્લાના રજવાડા નગર વાંસદાના એક કળાકારની, કે જેમણે "લોકડાઉન" ની આ અણધારી આફતને અવસરમાં પલટીને, તેનામાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી, વર્ષો જુના કળાકારને ફરીથી સજીવન કરીને, તેની અપ્રતિમ પ્રતિભાના દર્શન કરાવ્યા છે. વાંસદા નગરના બ્રાહ્મણ ફળિયામાં રહેતા બે સંતાનોના માતા એવા પ્રીતિબેન રાજેન્દ્રસિંહ મહિડાએ તેમના વિદ્યાર્થીકાળમાં ફાઇન આર્ટ્સનો કોર્સ કરીને, તેમનામાં રહેલી સર્જનાત્મકતાને ઓપ આપ્યો હતો. ત્યાર બાદ ઘર ગૃહસ્થીમાં તેમની આ સર્જનશીલતા જાણે કે હાંસિયામાં ધકેલાઈ જવા પામી હતી. દરમિયાન પોતાના પતિએ બે સંતાનોના ઉછેરની જવાબદારી તેમને સોંપીને આ ફાની દુનિયાને અલવિદા કહેતા, પ્રીતિબેન મહિડાને માથે જવાબદારીઓનો જાણે કે પહાડ આવી જવા પામ્યો હતો. મૂળ રાજપીપળાના પ્રીતિબેને મહિડાએ એક ક્ષત્રાણીને છાજે તે રીતે પોતાના બન્ને સંતાનોના ઉછેરની જવાબદારી અદા કરીને તેમના હાથ પીળા કરવા સુધીની મજલ બખૂબી કાપી છે. સંસારની આ મોહમાયા અને જવાબદારીઓમાં તેમની પ્રતિભા ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. ક્યાંક વચ્ચે વચ્ચે એક નારી દેહમાં રહેલો સર્જક સળવળાટ કરે ત્યારે કેનવાસ ઉપર પીંછીનાં લસરકા થતા રહેતા. પરંતુ એ કલાકારને મુક્ત મને ગગનમાં ઉડવા માટે ખુલ્લું આકાશ મળી શક્યું નહિ. જો કે, તેમના પતિ શ્રી રાજેન્દ્રસિંહ તથા સાસુજી વિરમતી બા એ સમયે સમયે પ્રીતિબેનની આ પ્રતિભાને પ્રોત્સાહન જરૂર પૂરું પાડતા રહ્યા હતા.આ સંજોગોમાં "કોરોના" ને પગલે દેશભરમાં થયેલા "લોકડાઉન"ને કારણે એક કાળની ગર્તામાં ધરબાયેલા કલાકારને જાણે કે ફરીથી સજીવન થવાની તક મળી, અને સર્જકની સર્જનશીલતાએ અભરાઈએ પડેલા કેનવાસ અને પીંછી ઉપરથી ધૂળ ઉડાડીને, તેનામાં રંગપુરણી કરતા એક પછી એક આકર્ષક પેઈન્ટીગ્સ આકાર પામ્યા. લોકજીવનના ધબકારાને ઉજાગર કરતા બેહદ આકર્ષક પેઈન્ટીંગસને આખરી ઓપ આપતા પ્રીતિબેને રંગોના અમીછાંટણા કરીને એક થી એક ઉત્તમ કલાકૃતિઓ તૈયાર કરીને, પોતાની પ્રતિભાના સૌને દર્શન કરાવવા સાથે, "કોરોના" ના કહેર વચ્ચે "લોકડાઉન"ની આફતને અવસરમાં પલટીને, તેમની સર્જનશીલતાને નવા મુકામ પર પહોંચાડી છે.પોતાના પિતાની ચિત્રકારી તેમને વારસામાં મળી છે તેમ જણાવતા પ્રીતિબેન મહિડાએ, તેમની આ કળા એ વ્યવસાય નથી પરંતુ એક આત્મસંતોષ માટેની સર્જકની સર્જનશીલતા છે તેમ જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે, પ્રીતિબેન નો નાતો કેનવાસ, પીંછી અને રંગો પૂરતો જ સીમિત નથી. તેઓ ચિત્રકારીની સાથે સાથે સંગીતની પણ સમજ ધરાવે છે. પ્રસંગોપાત સંગીતકલાના કાર્યક્રમોમાં પણ તેઓ ઉત્સાહ પૂર્વક તેમનું યોગદાન આપી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application