ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ થાય તે રીતે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. આ સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે.
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના વાધનેરા ગામના દિવ્યાંગ જાગૃત નાગરિક વિનયભાઇ બાલુભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૦૮માં દુકાન શરૂ કરવાના હેતુસર લોન માટે અરજી કરી હતી. અરજી મંજુર થવા છતા ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ લિમીટેડ ગાંધીનગર તરફથી ચેક ન મળતા વિનયભાઇએ “સ્વાગત કાર્યક્રમ”માં આ બાબતે રજુઆત કરી હતી. એને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નનો સંવેદનશીલતાથી નિરાકરણ લાવતા વિનયભાઇને વર્ષ-૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂપિયા ૩૯,૨૪૫/-રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જેના થકી પોતે જનરલ પોવિઝનની દુકાન શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે. દુકાન શરૂ થયાના લગભગ ૨ વર્ષ બાદ લગ્ન કર્યા અને આજે તેઓને બે દિકરીઓ છે. જેમાંથી એક દિકરી કસ્તુરબા વિદ્યાલયમાં ધોરણ-૮માં અને એક દિકરી ધોરણ -૬માં અભ્યાસ કરે છે.આ અંગે પોતાનો અભિપ્રાય રજુ કરતા વિનયભાઇ જણાવે છે કે, સ્વાગત કાર્યક્રમમાં કરેલ અરજી મારા માટે આશિર્વાદરૂપ બની છે. જનરલ પ્રોવિઝન દુકાનમાટે લોન મળી જેના થકી હું આત્મનિર્ભર બની શક્યો. આજે દિકરીઓના શિક્ષણ થી લઇ પરિવારના પાલન માટે દુકાન દ્વારા થતી આવક અને ખેતી મદદરૂપ બની છે. આ આવક દ્વારા મારૂ જીવન પરિવર્તન થયું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત મને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માધ્યમથી દિવ્યાંગ તરીકેનો આઈડી મળતા બસ પાસ અને ટ્રાઇસીકલ મળી છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ શૌચાલય સહિત આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં પ્રથમ હપ્તો સમયસર પ્રાપ્ત થયેલ છે. ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સીલીન્ડ મળે છે. વૃધ્ધ માતાને વૃધ્ધ પેન્શન યોજના દ્વારા ૧૨૫૦/- દર મહિને મળે છે.
આમ સરકારશ્રીને વિવિધ યોજનાઓનો લાભ મળતા અમારુ પરિવાર ખુશહાલ જીવનનિર્વાહ કરી રહ્યું છે. જેના માટે હું સરકારશ્રીનો ખુબ ખુબ આભારી છું.આપણા ઇતિહાસમાં સદીઓથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વાચા આપવાનું કામ થતું રહ્યું છે. લોક લાગણીને ઓળખવી, તેને સમજવી અને તેના ગુણદોષના આધારે તેનું નિરાકરણ લાવવું તે જ સાચું લોકશાહીનું લક્ષણ છે. તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય અને વહીવટી વ્યવસ્થામા હકારાત્મક પરિવર્તન આવે સાથે-સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500