દક્ષિણ અમેરિકાનાં દેશ ગુયાનામાં એક શાળાનાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 19 બાળકોનાં મોત નિપજ્યા હતા. આ આગની ઘટના માધ્યમિક શાળાનાં ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. જોકે ગંભીર રીતે ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે. ગુયાનાની માહદિયા માધ્યમિક શાળામાં લાગેલી આગમાં 20 લોકો માર્યા ગયા હોવાના અહેવાલોને રદિયો આપતા, નેશનલ ફાયરબ્રિગેડ વિભાગનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ભીષણ આગની ઘટનાને લીધે આખો દેશ હચમચી ગયો છે.
જયારે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા અન્ય 9 લોકો ઘાયલ થયા છે. એક પીડિતાને બચાવી લેવામાં આવી હતી, પરંતુ તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે. ગુયાના સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નિવેદન અનુસાર, આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી 320 કિમી દક્ષિણમાં માહદિયા શહેરમાં એક માધ્યમિક શાળામાં બની હતી. આ હોસ્ટેલમાં 12થી 18 વર્ષની વયજૂથની આદિવાસી સમુદાયની છોકરીઓ રહે છે. મૃતકોમાં 18 છોકરીઓ અને એક છોકરાનો સમાવેશ થાય છે જે કેરટેકરનો પુત્ર હતો. ગુયાનાનાં પ્રમુખ ઈરફાન અલીએ આ ઘટનાને "દુઃખદ, પીડાદાયક અને ભયાનક ગણાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500