બનાસકાંઠાનાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે કે, આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.’ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X' પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500