Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેપાળમાં સતત ત્રણ દિવસથી ચાલતા અનરાધાર વરસાદનાં કારણે આવેલ પૂર અને ભૂસ્ખલનથી ૧૫૦ લોકોનાં મોત નિપજ્યાં

  • September 30, 2024 

નેપાળમાં સતત ત્રણ દિવસથી ચાલતા અનરાધાર વરસાદનાં કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી ૧૫૦ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. નેપાળમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તેમ રવિવારે પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ નેપાળમાં આવેલા પૂરની અસર ઉત્તરપ્રદેશ અને વિશેષરૂપે બિહારમાં થઈ છે. આ બંને રાજ્યોમાં પણ પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. પરિણામે ઉત્તરપ્રદેશ અને બિહારનાં અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાઈ છે. નેપાળમાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો. નેપાળના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. દેશના અનેક ભાગોમાં અચાનક પૂર આવતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


નેપાળમાં વિવિધ સ્થળે પૂર અને ભૂસ્ખલનના પગલે અનેક રસ્તા બંધ થઈ જવાથી હજારો પ્રવાસીઓ અલગ અલગ સ્થળો પર ફસાઈ ગયા છે. કાઠમંડૂ ખીણમાં સૌથી વધુ મોત થયા છે. કાઠમંડૂમાં વરસાદે ૫૬ વર્ષનો રેકોર્ડ તોડયો હોવાનું કહેવાય છે. બીજીબાજુ ભૂસ્ખલનના કારણે ૬૪ લોકો લાપતા છે જ્યારે ૬૧ને ઈજા પહોંચી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૩૨૨ મકાન અને ૧૬ પુલ તૂટી પડયા છે.૨૦,૦૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓને બચાવ અભિયાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમણે અંદાજે ૩,૬૨૬ લોકોને બચાવ્યા છે અને સુરક્ષિત સ્થળે ખસેડયા છે. મકવાનપુરમાં ઓલ ઈન્ડિયા નેપાળ એસોસિએશન દ્વારા સંચાલિત એક તાલિમ કેન્દ્રમાં ભૂસ્ખલનની ઘટનામાં છ ફૂટબોલ ખેલાડીએ જીવ ગુમાવ્યા હતા.


જ્યારે બાકીના લોકો પૂરમાં તણાઈ ગયા છે. નેપાળની બાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ હજુ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કાઠમંડૂની મુખ્ય નદી બાગમતી પૂર્વી અને મધ્ય નેપાળમાં મૂશળધાર વરસાદ પછી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. કાઠમંડુમાં પહેલાં ક્યારેય આવું પૂર જોવા મળ્યું નથી. આઈસીએમઓડીના રિપોર્ટમાં કહેવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચોમાસાના કારણે શનિવારે અનરાધાર વરસાદ વરસ્યો છે. દરમિયાન ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદથી અનેક રાજ્યોની હાલત ખરાબ થઈ છે.


નેપાળમાં આવેલા પૂરથી બિહારમાં નદીઓનું જળસ્તર વધતાં વીરપુર અને વાલ્મિકિનગર બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. જેથી ૨૦ જિલ્લાઓમાં પૂરનું જોખમ સર્જાયું છે. બિહારની કોસી નદીમાં જળસ્તર વધતા ૫૬ વર્ષમાં સૌથી વધુ ૬.૬૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે ૧૩ જિલ્લામાં ૧૬.૨૮ લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એ જ રીતે ગંડક નદીમાં પૂરના પાણી આવતા વાલ્મિકિનગર બેરેજમાંથી ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડવાથી અને પર્વતો પરથી પાણી આવતા ૧૧ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અધિકારીઓને રાહત કામગીરી ચલાવવા નિર્દેશ આપ્યા છે. વધુમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને પીએસીની અનેક ટીમો તૈનાત કરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application