મુંબઈની અનેક ગગનચુંબી ઇમારતમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભાયખલા (ઇ.)માં ઘોડપદેવ વિસ્તારમાં ન્યુ હિંદ મિલ કમ્પાઉન્ડમાં આવેલ મ્હાડાની 24 માળની 3-C ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ફાયરબ્રિગેડે આ ઇમારતમાં ફસાયેલા 135 લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આગનું કારણ સ્પષ્ટ થયું નહોતું, પણ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઇમારતમાં રહેતા નાગરિકો ભર ઉંઘમાં હતા ત્યારે ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી.
આ ઇમારતમાં મુખ્યત્વે મિલ કામદારો અને ટ્રાન્ઝિટ કેમ્પના રહેવાસીઓ રહે છે. ભાયખલાની મ્હાડા કોલોનીની એક ઇમારતમાં ત્રીજા માળે આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડના પાંચ એન્જિન અને પાણીના ત્રણ ટેન્કર ઘટના સ્થળે ધસી ગયા હતા. આ લોકોએ ભારે જહેમત બાદ સવારે 7.20 કલાકે આગને કાબૂમાં લીધી હતી. ફાયરબ્રગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે , આગમાં વિવિધ માળ પર ફસાયેલ 135 જણને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભે વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે આમાંથી 25 જણને ઇમારતની ટેરેસ પરથી 30 જણને 15મા મળેના રિફ્યુઝ, જ્યારે 80 લોકોને 22મા માળના રિફ્યુઝ એરિયામાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 11 જણ ઇજા પામ્યા હતા. પાંચ વૃદ્ધ વ્યક્તિ સહિત કુલ નવ જણને ગુંગળામણની અસર થતા તેમને પરેલની કેઈએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાયેલા લોકોમાં લક્ષ્મી રાઉત, અર્ચના મોરે, પાર્વતીબાઈ તમ્બોલે, લતા તમ્બોલે, પ્રણય તમ્બોલે, અર્ચના મોરે, મુમતાઝ, અભિષ અને વિશાલ મોરેનો સમાવેશ થતો હતો. આગનું કારણ સ્પષ્ટ થઈ શક્ય નહોતું, પણ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. આગની આ ઘટનામાં 1થી 24 માળ સુધીના ઇલેક્ટ્રિક મીટર કેબિન, ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક કેબલ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિક ડક્ટમાં સ્ક્રેપ મટેરિયલ, ગાર્બેજ ડક્ટમાં કચરા અને રિફ્યુઝ સામગ્રી સુધી મર્યાદિત હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500