ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે નિર્માણ પામી રહેલ દેશનું પ્રથમ આદિવાસી મ્યુઝિયમ માંથી કરોડો રૂપિયાની માટી ચોરીની ઘટના બાદ નર્મદા કલેકટર આઈ.કે.પટેલે નર્મદા જિલ્લામાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર વોચ રાખવા તંત્રને આદેશ આપ્યા છે,કલેકટરના આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા એ દિશામાં પગલાં પણ ભરાઈ રહ્યા છે.ત્યારે નાંદોદ તાલુકાના પોઇચા ગ્રામપંચાયતની હદમાં ખેતીલાયક જમીનમાં ક્વોરી ચાલતી હોવાની તથા પોઇચા નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ટ્રક ભરી ભરીને ગ્રેવલ લઈ જવાતા હોવાની લેખિત ફરિયાદ પોઇચા ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરતા ખળભળાટ મચી ગયો છે.પોઇચા ગ્રામ પંચાયતના સરપંચે કરેલી લેખિત ફરિયાદ મુજબ પોઇચાની હદમાં સર્વે નંબર 352 પૈકીમાં લિઝ ધારક તિરૂપતિ એન્ટરપ્રાઇઝના માલીક અશોક કાછડીયાની લિઝની વિગતો દર્શાવતો ચાર્ટ ભાઠામાં લગાવ્યો છે એના કરતાં પણ વધુ વિસ્તારમાં એમના દ્વારા ખોદકામ કરાયું છે.આ લિઝ ધારકને અગાઉ 1.35 કરોડનો દંડ પણ કરાયો હતો પણ પાછળથી લાંચીયા અધિકારીઓના મેળાપીપળામાં ન જેવો દંડ ભરાવી લિઝ ફરી ચાલુ કરાવી દેવાઈ છે.પાંચ માસ અગાઉ પણ મામલતદારે રેડ કરી 4.50 કરોડનો દંડ કર્યો હતો ત્યારે પણ ન જેવો દંડ ભરી લિઝ ચાલુ કરવાનો હુકમ કર્યો છે.એમની જ બાજુની જગ્યામાં દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના માલિક ગોપાલ રબારી દ્વારા 4-5 હેકટર વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલું ખોદકામ કરી વજન કર્યા વિના ગ્રેવલનો પોતાની ટ્રકમાં ઉપાડ કરે છે.તિરુપતિ એન્ટરપ્રાઇઝના માલિક દ્વારા ખેતી લાયક ખાનગી જમીનમાં બિન ખેતી કર્યા વિના ક્વોરીના મશીનો ફિટ કર્યા છે.એ વિસ્તારની આજુબાજુના ખેતરમાં ક્વોરીનો ડસ્ટ ઉડવાથી ખેડૂતોના ઉભા પાકને અને પર્યાવરણને નુકશાન થતું હોવાથી આ ક્વોરી વહેલી તકે બંધ કરાવવા વિનંતી કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,આ વિસ્તારમાં અવાર નવાર રેતી ખનનની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે નર્મદા જિલ્લા કલેકટર આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application