ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લે છેલ્લે સપ્ટેમ્બર માસમાં પાછોતરો મુશળધાર વરસાદ શરૂ થયો છે જેમાં પણ પશ્ચિમ બંગાળમાં જે વરસાદની સિસ્ટમ બની છે તે સિસ્ટમ ના પગલે ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર આ બે દિવસ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગતરોજ પણ ઉકાઇના કેચમેન્ટમાં આવેલા કેટલાક ગેજ સ્ટેશનમાં ભારે વરસાદ વરસતા સત્તાધીશોએ ડેમનું રૂલ લેવલ મેઈન્ટેઈન કરવા ગત મોડી રાત્રીથી જ તાપી નદીમાં પાણીનો આઉટફ્લો વધારવાની ફરજ પડી હતી પ્રારંભે ૭૦ હજાર કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડ્યા બાદ તબક્કાવાર વધારીને આજે બપોરે એક વાગે ઉકાઇ ડેમમાંથી ૧.૨૪ લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. હાલમાં બપોરે એક વાગે ઉકાઇ ડેમની સપાટી ૩૪૨.૧૬ ફૂટ નોંધાઇ છે.
અગમચેતીના ભાગરૂપે ગત મોડી રાત્રીથી જ આઉટ ફલો વધારવાનો લેવાયો હતો નિર્ણય.
ઉકાઈ ડેમના સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ડેમના કેચમેન્ટમાં આવેલા ગેજ સ્ટેશનોમાં ગતરોજ ૩૩૮ મી.મી. જેટલો ભારે વરસાદ વરસતા ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ બપોરે એક વાગ્યે ૫૪,૬૫૪ ક્યુસેક થઈ છે આજે બપોરે એક વાગ્યે ડેમની સપાટી ૩૪૨.૧૬ ફૂટ નોંધાઈ છે ડેમનું ભયજનક લેવલ ૩૪૫ ફૂટ છે. ડેમની સપાટી નીચે લાવવા માટે અને આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી ને પગલે સત્તાધીશો દ્વારા આગમચેતીના પગલારૂપે ગત મોડીરાત્રે ૨૨ કલાકે ઉકાઇ ડેમમાંથી ૭૦ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે તબક્કાવાર વધારીને આજે સવારે ૧૦ કલાકે ૯૭,૨૩૪ ક્યુસેક કરી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ બપોરે એક વાગ્યે ૧.૨૪ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમ ના સૂત્રો મુજબ ડેમમાં હાલમાં લાઈવ સ્ટોરેજ ૬૨૨૪.૨૩ એમસીએમ છે અને પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬૯૨૪.૨૩ એમસીએમ છે. વધુમાં ડેમના ૧૩ દરવાજા ચાર ફૂટ ખોલીને ઉકાઇ ડેમમાંથી ૧.૨૪ લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
૧૩ દરવાજા ચાર ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે પાણી.
આ ઉપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશા બેરેજ માથી તાપી નદીમાં ૪૫,૭૫૮ ક્યુસેક પાણીનો જથ્થો આવી રહ્યો છે તેના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી ૪૩,૧૨૨ ક્યુસેક પાણી નો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જે તમામ પાણીનો જથ્થો ઉકાઈ ડેમમાં ઠલવાતો હોય તેમજ પાછોતરો વરસાદ સપ્ટેમ્બર માસમાં વરસી રહ્યો હોય ઉકાઈ ડેમના સત્તાધીશોની છેલ્લા ત્રણ દિવસથી ડેમને પૂરેપૂરો ભરવાની મમતમાં કસોટી થઈ રહી છે. જોકે સત્તાધીશોએ અગમચેતી વાપરીને ગતરોજ રવિવારે મોડી સાંજથી જ ઉકાઇ ડેમમાંથી દસ દરવાજા ખોલીને પહેલા ૭૦ હજાર ક્યુસેક પાણી અને તબક્કાવાર રીતે આઉટ ફલો વધારીને ૯૭,૨૩૪ ક્યુસેક પાણી બાદમાં બપોરે વધારીને ૧.૨૪ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે પાણીનો જથ્થો મોડી સાંજે સુરત આવી પહોંચતા તાપી વધુ બે કાંઠે જોવા મળશે. (ફોટો- કલ્પેશભાઈ વાઘમારે,ઉકાઈ)
સોમવારે બપોરે ડેમની ૧ વાગ્યા ની સ્થિતિ
- ઉકાઇ ડેમની સપાટી: ૩૪૨.૧૬ ફૂટ
- ભયજનક સપાટી: ૩૪૫.૦૦ ફૂટ
- રૂલ લેવલ :૩૪૫.૦૦ ફૂટ
- ઈન ફલો :૫૪,૬૫૪ ક્યુસેક
- આઉટ ફલો: ૧,૨૪,૭૯૯ ક્યુસેક
- લાઈવ સ્ટોરેજ એમસીએમ :૬૨૨૪.૨૩
- ગ્રોસ સ્ટોરેજ:૬૯૦૮.૬૨
- હથનુર આઉટ ફલો:૪૩,૧૨૨ ક્યુસેક
- પ્રકાશા ડેમ:૪૫,૭૫૮ ક્યુસેક
- (ડેમના ૧૩ દરવાજા ચાર ફૂટ ખુલ્લા રાખી પાણી છોડાય છે)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500