Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં ગેરકાયદે બેઝમેન્ટમાં ચલાવાતા ૧૩ કોચિંગ સેન્ટરોને સીલ કરાયા

  • July 30, 2024 

દિલ્હીના એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક જ પાણી ભરાઇ જતા ત્રણ વિદ્યાર્થીઓના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ જાગેલા દિલ્હીના મ્યૂનિ. કોર્પોરેશને અન્ય કોચિંગ સેન્ટરો સામે તપાસ હાથ ધરી છે. મ્યૂનિ.એ દિલ્હીમાં ગેરકાયદે બેઝમેન્ટમાં ચલાવાતા ૧૩ કોચિંગ સેન્ટરોને સીલ કરી દીધા હતા. આ તમામ કોચિંગ સેન્ટરો બેઝમેન્ટમાં ચલાવાઇ રહ્યા હતા જે ગેરકાયદે છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીના ડુબવાથી મોત થયા તે રાઉ આઇએએસ સ્ટડી સર્કલને પહેલા જ દિવસે સીલ કરી દેવાયું હતું. જે પણ કોચિંગ સેન્ટરોને સીલ કરાયા છે તેમાં આઇએએસ ગુરૂકુળ, ચહલ એકેડમી, પ્લટસ એકેડમી, સાઇ ટ્રેડિંગ, આઇએએસ સેતુ, ટોપર્સ એકેડમી, દૈનિક સંવાદ, સિવિલ્સ ડેઇલી આઇએએસ, કેરિયર પાવર, ૯૯ નોટ્સ, વિદ્યા ગુરુ, ગાઇડન્સ આઇએએસ, ઇઝી ફોર આઇએએસનો પણ સમાવેશ થાય છે.


દરમિયાન નેહરુ વિહારના વર્ધમાન મોલમાં ચાલી રહેલા વિકાસ દિવ્યકીર્તિના દ્રષ્ટિ આઇએએસ કોચિંગ સેન્ટરને પણ સીલ કરી દેવાયું છે. આ સેન્ટર પણ બેઝમેન્ટમાં ચાલી રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા વિકાસ દિવ્ય કિર્તી અને અવધ ઓઝા બન્નેને વિદ્યાર્થીઓએ સવાલો કર્યા હતા અને ટકોર કરતા કહ્યું હતું કે એથિક્સ ભણાવતા ભણાવતા ખુદ એથિક્સ ભુલી ગયા. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરના રાઉ આઇએએસ કોચિંગ સેન્ટરમાં આઇએએસની તૈયારી કરનારા ત્રણ વિદ્યાર્થીઓના ડુબવાથી મોત નિપજ્યા હતા. એવામાં આ સેન્ટર પર તૈયારી કરી રહેલી કનિષ્કા તિવારીએ ઘટના બની તેના ત્રણ દિવસ અગાઉ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઇ રહ્યું હોવાની જાણકારી આપી હતી.


આ ફરિયાદ દિલ્હી સરકારના પીડબલ્યુડીને કરવામાં આવી હતી. જો તે સમયે જ પ્રશાસન એક્શનમાં આવી ગયું હોત અને કોચિંગ સેન્ટર સામે પગલા લેવાયા હોત તો ત્રણ વિદ્યાર્થીઓના જીવ બચાવી શકાયા હોત. ૨૪ તારીખે આ ફરિયાદ કરી હોવાના પુરાવા પણ આ વિદ્યાર્થીએ જાહેર કર્યા હતા. દરમિયાન દિલ્હીમાં વિદ્યાર્થીઓના ડુબવાના મોતની અસર સંસદમાં જોવા મળી હતી. રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા દરમિયાન અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે કોચિંગ એક ધંધો બની ગયું છે. જ્યારે પણ છાપા વાંચીએ ત્યારે તેમાં શરૂઆતના એક બે પાના પર કોચિંગની જ જાહેરાતો જોવા મળે છે.


બીજી તરફ દિલ્હીની ઘટનાની તપાસ માટે ગૃહ મંત્રાલયે તપાસ કમિટી બનાવી હતી, આ કમિટી તપાસ કરીને ૩૦ દિવસમાં પોતાનો રિપોર્ટ મંત્રાલયને સોંપશે. આ ઘટના મુદ્દે દિલ્હીની સત્તાધારી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે છેલ્લા ૨૫થી ૩૦ વર્ષથી કોચિંગ સેન્ટરો અને લાયબ્રેરીઓ બિલ્ડિંગોના ભોંયરામાં ચલાવાય છે, ભાજપ ૧૫ વર્ષથી એમસીડીમાં સત્તામાં છે, છતા કોઇ જ પગલા લેવામાં નથી આવ્યા. દિલ્હીમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ લોકોના મોતની ઘટનાની પ્રાથમિક તપાસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે, કોચિંગ સેન્ટરની બહાર બહુ જ પાણી ભરાયું હતું, જ્યાંથી એક પુર ઝડપે થાર કાર પસાર થઇ હતી, થારના ડ્રાઇવરે પુર ઝડપે ટર્ન લીધો હતો, જે દરમિયાન કોચિંગ સેન્ટરનો દરવાજો તુટી ગયો હતો, જેને કારણે ભારે ફોર્સ સાથે પાણી બેઝમેન્ટમાં જતુ રહ્યું અને ત્રણ લોકો માર્યા ગયા હતા. પોલીસે થારના માલિકની ધરપકડ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application