રાજ્યનાં અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે અને વરસાદી માહોલ બરોબર જામ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમા સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વાલોડમાં 4.5 ઈંચ, મહુવામાં 4 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ, મુંદ્રામાં સવા બે ઈંચ તેમજ ગણદેવીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાજ, નવસારી, વલસાડ, સુરત, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
રાજ્યમાં ગતરોજ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોરના સમયે ભારે બફારાને લીધે લોકો અકળાયા હતા ત્યારે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાય ગયા હતા. રાત્રિના આઠ કલાક સુધીમાં સરખેજ-મકતમપુરા વિસ્તારમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતા નિચાણવાળા સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. સાંજના સમયે વરસેલા વરસાદના કારણે માનસી સર્કલ ઉપરાંત હેલમેટ ચાર રસ્તા તથા વિજય ચાર રસ્તા ખાતે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા. વરસાદી પાણી કેટલીક દુકાનો સુધી પહોંચી ગયા હતા. જયારે ગતરોજ ભારે વરસાદને પગલે રાજ્યના સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર તેની અસર જોવા મળી હતી.
અનેક જગ્યાએ પાણી ભરાય જતા વાહન વ્યહાર પર તેની અસર થઈ હતી. અમદાવાદ અને રાજકોટ નેશનલ હાઈવે પર હાલ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે તેમજ અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે જેના પગલે અનેક જગ્યાએ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે ગતરોજ હાઈવે પર અનરાધાર વરસાદ વરસતા તેમા વરસાદી પાણી ભરાઈ જતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. આ ટ્રાફિક જામની જાણ પોલીસ અને આરએન્ડબીના અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિકને ક્લીયર કરાવ્યો હતો. જોકે થોડીવાર બાદ ફરી વરસાદ શરૂ થતા જ ટ્રાફિકજામ થઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500