જમ્મુ અને કાશ્મીરનાં પુંછ જિલ્લામાં બરેરી નાળા પાસે એક બસ ઊંડી ખીણમાં ખાબકી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. જયારે આ બસ સૌજિયાથી મંડી તરફ જઈ રહી હતી. ઘટના બાદ તરત સ્થાનિક લોકો, પોલીસ અને સેના દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહાએ આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમની ઓફિસે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેર કરેલા પોતાના સંદેશમાં કહ્યું કે, પુંછના સૌજિયામાં થયેલા માર્ગ અકસ્માતથી દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પોલીસ અને સિવિલ અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
જોકે આ અગાઉ પણ જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લામાં ગત તા.30 ઓગષ્ટનાં રોજ એક કાર રોડ પરથી લપસીને 300 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં એક 16 વર્ષીય છોકરી સહિત 8 લોકોના મોત થઈ ગયા હતા તેમજ 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500