નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, કોરોના મહામારી સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી પ્રથમ તબક્કાના અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો અને મહત્વના વ્યક્તિઓનું રસીકરણ બાદ કોવિડ-૧૯ની રસી માટેના બેઝ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં યોજાયેલા પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનની વિગતો આપતા જણાવ્યુ છે કે, રાજ્યભરના તમામ ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકોઓના ૧૬૧ વેક્સિનેશન સેન્ટર પર થી આ અભિયાન હેઠળ સાંજે ૦૬-કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી અને આ કામગીરી હજુ ચાલી રહી છે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે અને આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસીની કોઇ આડ અસર જોવા મળી નથી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમર્યુ કે, રાજ્યભરમાં જે ૧૬૧ સેન્ટરો નિયત કરાયા છે તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિષ્ણાંત ખાનગી તબીબો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત કોરોનાના કપરા કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કર્મીઓ,આયા બહેનોને પણ આવરી લઇને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે તથા હેલ્થ કેર વર્કરોની સંખ્યા જ્યાં ઓછી છે તેવા નાના સેન્ટરો ઉપર પણ તમામ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવનાર છે. જેમાં અંદાજે ૪.૪૦ લાખ વોરિયર્સને આવરી લેવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, આજે યોજાયેલ આ રસીકરણના કાર્યક્રમમાં અમદાવાદના ખાનગી પીડીયાસ્ટ્રીશીયન ડૉક્ટર નિખિલ ભટ્ટ રૂમેટોલોજીસ્ટ ડૉ. સપન પંડ્યા, જામનગર જી.જી.હોસ્પીટલના પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડૉ. ભદ્રેશ વ્યાસ, આંતરરાષ્ટ્રીય પીડીયાટ્રીક્સ એસોસીએશન કચ્છના એજ્યુક્યુટીવી ડાયરેક્ટર ડૉ. નવીન ઠક્કર, એપોલો હોસ્પીટલ ગાંધીનગરના ઇન્ટેન્સીવિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઇ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, અમદાવાદના ખાનગી ફીઝીશીયન ડૉ. અતુલ પટેલ, અમદાવાદના ડાયબીટોલોજીસ્ટ અને ફીઝીશીયન ડૉ. નવનીત શાહ, અમદાવાદના ખાનગી પીડીયાસ્ટ્રીશીયન ડૉ. મોનાબેન દેસાઇ, આઇ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડૉ. કેતન દેસાઇએ પણ રસી મુકાવી હતી. એટલે વેક્સીન સંપૂર્ણ વિશ્વસનીય છે. તેમણે ઉમેર્યુ કે,રાજ્યભરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500