Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં સર્પદંશના કિસ્સામાં દેવદૂત બની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા

  • February 13, 2024 

બહુધા વનવિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા ઝરવાણીના ધીરખાડી વિસ્તારની આ વાત છે. ગત જુલાઇ માસની એક સમી સાંજે ફળીયામાં રહેતા રિંગુબેન વસાવાને એક સર્પ કરડ્યો હતો. તેમને એમ થયું કે કોઇ જંતુ કરડ્યું છે. આ બાબતને સામાન્ય સમજીને તેઓ સાંજે વાળુપાણી કરીને સુઇ ગયા હતો. સવાર થતા જ સર્પના ઝેરની અસર થવા લાગી હતી. આવા સમયે દુર્ગમ વિસ્તારમાં ૧૦૮ દેવદૂત બનીને આવી અને તત્કાલ સારવારથી રિંગુબેનનો જીવ બચાવ્યો. મૂળ વાત એવી છે, સવારના પોરમાં ૧૦૮ ને ફોન કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન શ્રી સંજયભાઇ તડવી મારતી ગાડીએ ઝરવાણીના આ દુર્ગમ વિસ્તારમાં માત્ર ૧૮ મિનિટમાં પહોચી ગયા. ત્યાં જઇને જોયું તો રિંગુબેનના આંખના પોપચા ચઢી ગયા હતા. તેઓ બેશુધ હતા. સંજયભાઇએ તુરંત વિષનાશક દવાના પાંચ ડોઝ આપ્યા.


૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડી દર્દીને ગરૂડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ કરી. પ્રથમ પાંચ ડોઝની અસર નહિવત થતા વધારાના પાંચ ડોઝ ચાલુ ગાડીએ આપવામાં આવ્યાં. આમ કરીને અણીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સે મદદ કરી રિંગુબેનને દવાખાને દાખલ કરતા તેઓનો જીવ બચ્યો હતો. એમ્બ્યુલસન્સમાં સાથે રહેલા રિંગુબેનના પતિ અને ત્રણેક વર્ષના બાળકના જીવ આ દરમિયાન તાળવે ચોંટી ગયા હતાં. સારવાર બાદ રિંગુબેન ખતરામાંથી બહાર આવતાં પરિવાર જનોને હાંશકારો થયો હતો. નર્મદા જિલ્લામાં વન વિસ્તાર હોવાથી સર્પદંશના કિસ્સાઓ વારંવાર બને છે. આવા સમયે ૧૦૮ એમ્બ્યુલન્સની તત્કાલ સેવા આશીર્વાદરૂપ બને છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં સર્પદંશના કિસ્સાઓમાં ૧૨ દર્દીઓના જીવ બચાવવામાં ૧૦૮ એમ્બ્યુલન્સને સફળતા મળી છે.


નાયબ વન સંરક્ષકશ્રી યજ્ઞેશ્વર વ્યાસે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં મુખ્યત્વે કોબ્રા અને રસેલ વાઇપર જાતીના સાપો મળી આવે છે. આ સાપો કોઇ જગ્યાએ મળી આવે તો તેને પકડી સલામત સ્થળે છોડવામાં આવે છે. સાપોને મારવા જોઇએ નહિ. તેઓ ખેડૂતના મિત્ર છે. તેનાથી તકેદારી રાખવી જોઇએ. સર્પદંશના કિસ્સામાં દર્દીનો જીવ બચાવવા બદલ ઉક્ત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન શ્રી સંજયભાઇ તડવીનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૦૮ ને ફોન કર્યા બાદ એમ્બ્યુલન્સ પહોચવાનો સરેરાશ સમયગાળો ૧૦ મિનિટનો છે. ત્યાર વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો, પેટના દુઃખાવા માટે ૪૧૬૫ દર્દી, એલર્જી સબંધીના ૩૨ દર્દી, માનસિક પ્રોબ્લેમના ૧૫ દર્દી, શ્વાસની સમસ્યાના ૧૨૮૪ દર્દી, હૃદય રોગના ૬૨૧ દર્દી, આંચકી વાઇના ૭૦૨ દર્દી, ડાયાબિટીસની સમસ્યાના ૨૮૫ દર્દી, તાવના ૧૧૫૪ દર્દી, ઝેરી દવા અંગેના ૧૪૦૦ દર્દી, પ્રસુતિ સંબંધિતના ૯૬૮૦ દર્દી, માથામાં ગંભીર દુઃખાવાના ૬૮ દર્દી, લકવો માટે ૧૬૮૭ દર્દી, ટ્રોમા (બિન –વાહન) કુલ ૨૦૪૨, ઇજા વાહન અકસ્માત અંગેના ૨૦૦૬ મળી કુલ ૨૫,૨૭૯ દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા થકી પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application