Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં શિક્ષણ મંત્રીનાં અધ્યક્ષતામાં ૩૦૮ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

  • July 03, 2023 

રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં ૭૦૦થી વધુ નવા ઓરડા બની રહ્યા હોવાનું જણાવતા શિક્ષણમંત્રી ડિંડોર વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો, આચાર્યો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનો સન્માન સમારોહ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ તેમજ આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરના મુખ્ય મહેમાન પદે તા.૧ જુલાઈના રોજ વલસાડના અબ્રામા સ્થિત સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આજે હું સરસ્વતીના ઉપાસાકોનું સન્માન કરવા માટે મારા પરિવાર વચ્ચે આવ્યો છું. કે.જી.થી પી.જી. સુધી શિક્ષણ આપી શિક્ષકો વ્યકિત નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી સમાજની સેવા કરી રહ્યા છે.



કોરોનાકાળમાં પણ પોતાના જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરનાર શિક્ષકો ધન્યવાદને પાત્ર છે. ખરા સન્માનના અધિકારી શિક્ષકો, ડોકટરો અને સૈનિકો છે. આપણો ભારત દેશ પહેલા વિશ્વગુરૂ હતો, તક્ષશિલા, નાલંદા અને વલભી જેવી વિદ્યાપીઠો કાર્યરત હતી. ગુરૂકુળમાંથી અભ્યાસ કરી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની બહાર આવતા હતા. જીવન જીવવાની પધ્ધતિનું શિક્ષણ અપાતુ હતું. ભારતની શિક્ષણ પ્રણાલી વ્યવસાયરૂપમાં નહી પરંતુ સેવાના રૂપમાં હતી. ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનએ કહ્યું હતું કે, શિક્ષક એ કર્મચારી નથી પણ આર્ચાય છે. રાષ્ટ્રનો આધારસ્તંભ છે, સમાજનો સેવક છે. શિક્ષણને સેવાના રૂપમાં મૂલવવું જોઈએ. દરેક સ્કૂલોમાં ચાણક્યનું એક સૂત્ર લખેલુ જોવા મળે છે કે, ‘‘ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે’’. હકીકતમાં આ સૂત્ર કામ કરીને સાર્થક કરવાનું છે.



શિક્ષકોમાં અદભૂત કલા છે તેઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી શકે છે. નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણાલી પણ નવી શિક્ષણ નીતિમાં છે. યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ભારત મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતને પુનઃ દિવ્ય બનાવવાનું કામ શિક્ષકોનું છે. બાળકોના ઉત્થાન માટે સવિશેષ કામગીરી કરનાર સન્માનિત શિક્ષકો અભિનંદનને પાત્ર છે. જે શાળાઓ ૧૦૦ ટકા પરિણામ લાવી તે શાળા પાસેથી અન્ય શાળાઓએ બોધપાઠ લઇને પોતાની શાળાઓની પ્રગતિ કરવી જોઈએ. એ જ રીતે જે શિક્ષકોએ સિધ્ધિ મેળવી છે તેમણે જિલ્લા પુરતુ સીમિત રહેવાનુ નથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાનું છે. આપણા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્યકક્ષાએ રેંકીગમાં આવે તેવા પ્રયાસ કરવાના છે.



વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ પણ ડિજિટલ થઈ રહ્યું છે, ગામડાની શાળાઓમાં પણ ડિજિટલ શિક્ષણ અપાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં ૭૦૦થી વધુ નવા ઓરડા બની રહ્યા છે. આ સિવાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી દાન માટે પહેલ કરી શકાય છે. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સન્માન મેળવનાર શિક્ષકો, આચાર્યો, તેજસ્વી તારલા અને દાતાઓ અભિનંદન પાઠવ્યા હતા. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે શિક્ષકો સમાજનું અભિન્ન અંગ છે. વિદ્યાર્થીઓના ઘડતરની સાથે સંસ્કારોનું સિંચન પણ કરે છે. શિક્ષકો થકી જ સમાજ ઉજળો દેખાય છે એવુ જણાવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઈન્ડિયાનો નારો ગામડાઓની સ્કૂલોમાં પણ ગુંજી રહ્યો હોવાનું જણાવ્યું હતું.



પ્રાથમિક સંઘ, પ્રાથમિક શૈક્ષિક સંઘ, જિલ્લા આચાર્ય સંઘ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ અને જિલ્લા વહીવટી સંઘના હોદ્દેદારો દ્વારા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીયાએ જણાવ્યું કે, આજે અહીં તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને દાતાઓ મળી કુલ ૩૦૮ લોકોનું સન્માન થયુ છે. જે ગૌરવની વાત છે. શ્રેષ્ઠ માણસનું સન્માન આખા વાતાવરણને શ્રેષ્ઠ બનાવે છે. આભારવિધિ મોડેલ સ્કૂલ માંડવાના આચાર્યા ગુલાબભાઈ લુહારે કરી હતી.



સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મૃતિબેન દેસાઈએ કર્યુ હતું. બોક્ષ મેટર શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા મંત્રીશ્રીએ ખાતરી આપી કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરે શિક્ષકો અને આચાર્યોના પ્રશ્નો બાબતે જણાવ્યું કે, આચાર્યોના કેટલાક પશ્નો હલ થયા છે. શિક્ષકો પાસે બીએલઓ તરીકેની કામગીરીનો જે પ્રશ્ન છે તે માટે પણ રસ્તો કાઢીશુ. શિક્ષણનો વ્યાપ વધારવા માટે શાળા સહાયકની નવી ભરતી કરવામાં આવશે. પ્રવાસી શિક્ષકનો શબ્દ બદલી જ્ઞાન સહાયક શિક્ષક શબ્દનો ઉપયોગ કરાશે. મંત્રીશ્રીએ ખાતરી આપતા જણાવ્યું કે, આગામી તા.૩૦ જુલાઈ સુધીમાં ટેટ-૧, ટેટ-૨ અને ટાટ સહિતની પરીક્ષા, જિલ્લા ફેર બદલી કેમ્પ અને મળવાપાત્ર સેવાના લાભ સહિતના કામો તબક્કાવાર પૂર્ણ કરવામાં આવનાર છે. જેથી શિક્ષકોને ઘણી રાહત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application