વ્યારા સોનગઢ નેશનલ હાઇવે પર આવેલા માંડળ ટોલનાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન સોનગઢ અને મહિલા પોલીસે એક આઈશર ટ્રક અટકાવી તેમાંથી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા તરફ ગેરકાયદે લઈ જવાતી આઠ ભેંસ અને બે પાડિયા સાથેની ટ્રક ઝડપી પાડી હતી. બનાવ અંગે મળેલ વિગત અનુસાર, જિલ્લા મહિલા પોલીસ શારદાબેન છોટુભાઈ અને અન્ય સ્ટાફ સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલા માંડળ ટોલનાકા પાસે રાત્રીના સમયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તે દરમિયાન વહેલી સવારે વ્યારા તરફથી આવેલ એક ટ્રક નંબર GJ/13/AX/8881નો ચાલક પોતાની ટ્રક લઈ શંકાસ્પદ સ્થિતિમાં પસાર થતો જોવા મળતાં પોલીસે શંકાના આધારે ટ્રક અટકાવી હતી. આ ટ્રકની અંદર તપાસ દરમિયાન ટ્રક માંથી ખીચોખીચ સ્થિતિમાં ચારો કે પાણીની સગવડ વિના ભરવામાં આવેલ આઠ નંગ ભેંસ અને બે પાડીયા મળી આવ્યાં હતાં. આ ટ્રક માંથી મળી આવેલ ચાલક કિશન રઘુ બામના (રહે.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર) અને સંજય સિંધવ (રહે.વઢવાણ) નાની પોલીસે પૂછપરછ કરતા આ ભેંસો સંજયના તબેલા માંથી ભરવામાં આવી હતી અને ધુલિયા ખાતેના પશુ બજારમાં વેચાણ અર્થે લઈ જવામાં આવતી હતી.
જોકે તેની પાસે વેટરનરી ડૉક્ટરનું સર્ટી કે સક્ષમ અધિકારીની પરવાનગી મળી આવી ન હતી. આ બનાવમાં પોલીસે વઢવાણના રહેવાસી કિશન રઘુ અને સંજય છેલાની સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો જ્યારે રૂપિયા 1,46,000/-ની કિંમતની ભેંસો તથા 15 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 16,46,000/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માલિક ગોપાલ ધ્રાગીયા (રહે.વઢવાણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500