આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય, જિલ્લા વહીવટી તંત્ર, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ઉપક્રમે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરદારનગરી બારડોલી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હરિપુરાથી નીકળેલી સાયકલસવારોની રેલી 17 કિમી અંતર કાપી બારડોલી સ્વરાજ આશ્રમ પહોંચતા મંત્રી અને મહાનુભાવોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
બારડોલી ખાતે જલારામ મંદિરથી 11 પ્લાટુન અને 5 પોલીસ બેન્ડ સાથેની ભવ્ય પોલીસ પરેડ યોજાઈ હતી. આ પરેડ ટાઉનહોલ સ્ટેજ પોઈન્ટ પર સલામી ઝીલી બારડોલી મેઈન રોડ (સ્ટેશન રોડ)થી પરત સ્વરાજ આશ્રમ પહોંચી હતી. સાથોસાથ બારડોલી કોલેજમાં આયોજિત સમારોહ અને મુખ્ય રોડ પરની પોલીસ પરેડ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર વચ્ચે BSF, ગુજરાત પોલીસના ઝાંબાઝ મહિલા અને પુરૂષ જવાનોએ મોટરસાઈકલ પર સવાર થઈને દિલધડક કરતબો રજૂ કર્યા હતા.
જેને નિહાળીને ઉપસ્થિત સૌ નગરજનો, વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. હેરતઅંગેજ કરતબો નિહાળીને રસ્તાની બંને તરફ ઉભેલી જનમેદની અને કોલેજ મેદાનમાં ઉપસ્થિત નગરજનોએ હર્ષનાદો સાથે પોલીસ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષત: BSF જવાનોએ સમારોહ પૂર્ણ થયા બાદ રક્તદાન કરી સુભાષબાબુને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-1938માં હરિપુરામાં યોજાયેલ તત્કાલીન કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન એ દક્ષિણ ગુજરાત માટે આજે પણ અવિસ્મરણીય ક્ષણ બની રહી છે. કારણ કે સ્વતંત્રતા જંગના મહત્તમ સેનાનીઓ હરિપુરાના આંગણે પધાર્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવના અવસરે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના સપૂત એવા સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે હરિપુરાની ઐતિહાસિક ભૂમિ પર પથરાયેલી સ્મૃત્તિને જીવંત કરવાના ઉમદા પ્રયાસો કરી રહી છે. મંત્રીએ કહ્યું કે, સુભાષજીએ આઝાદ હિન્દ ફોજમાં ઝાંસીની રાણીના નામ પરથી પહેલી મહિલા રેજિમેન્ટ બનાવી, જેનું સુકાન કેપ્ટન લક્ષ્મી સહેગલને આપ્યું હતું. આમ, તેઓ સ્ત્રી સશક્તિકરણના પણ હિમાયતી હતા એમ જણાવી દેશ માટે આપેલા બલિદાન અને ત્યાગને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500