મહુવાનાં કરચેલીયા ગામે પતિનાં પરસ્ત્રી સાથેનાં પ્રેમસંબંધનાં વહેમમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હતા. જયારે પતિએ પ્રેમિકાનાં પતિના વાહનમાં તોડફોડ કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહુવા પોલીસે દંપતી સહિત 5 શખ્સો સામે ગુનો દાખલ કરી ત્રણની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરચેલીયા ગામે હડકવાડી ફળિયામાં રહેતા અને રસોઇયા તરીકે કામ કરતા વિરલ વિનોદભાઈ ઢો.પટેલે મહુવા પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે, તેની પત્નીને કરચેલીયા ગામે કોળીવાડમાં રહેતા યોગેશ રવજીભાઈ ઢો.પટેલ નામનાં પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો.
આ બાબતે યોગેશ અને તેની પત્ની આરતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને રવિવારના રોજ મહુવા તાલુકાનાં વાંસકુઈ ગામે નહેર પાસે વિરલ તથા યોગેશ બંને સમાધાન કરવા ભેગા થયા હતા ત્યારે બોલાચાલી થતા યોગેશે તેની કાર નંબર GJ/04/DN/8820માં બેસી ભાગી છૂટ્યો હતો અને તેણે એક્ટિવા મોપેડ નંબર GJ/19/BF/3458 અને પ્લેઝર નંબર GJ/19/BC/1236ને અડફેટે લઈ નુકસાન પહોંચાડયું હતું. જયારે વિરલ પોતાની અલ્ટો ફોર વ્હીલરમાં કરચેલીયાથી મહુવા તરફ આવી રહ્યો હતો.
તે દરમિયાન યોગેશ રવજી પટેલે સ્વીફ્ટ કાર રસ્તા વચ્ચે ઊભી રાખી વિરલને ઊભો રાખી તેને તું મારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે એમ કહી તેને માર માર્યો હતો અને તેના મિત્ર હિતેશને માથામાં લાકડાનો ધોકો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે વિરલ વિનોદભાઈ પટેલે મહુવા પોલીસમાં યોગેશ રવજી ઢો.પટેલ તથા તેની પત્ની આરતી તથા તેના સાગરીત કેયૂર રોહિત ભંડારી (રહે.ભંડારીવાડ, બારડોલી), સોહિલ ઢો.પટેલ (રહે.સનયમોરા ફળિયા કાંકરિયા) અને પ્રશાંત નામના ઇસમ મળી કુલ 5 ઇસમો વિરુદ્ધ મહુવા પોલીસમાં ફરિયાદ કરતા મહુવા PSIએ ગુનો નોંધી યોગેશ રવજી ઢો.પટેલ તથા તેની પત્ની આરતી તથા સોહિલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500