સુરત ગ્રામ્યની મહુવા પોલીસની ટીમે કાછલ ગામ નજીકથી 3.84 લાખનાં વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી અને પોલીસે કાર ચાલકની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મહુવા પોલીસની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટ્રક વિદેશી દારૂ ભરીને કરચેલીયાથી મહુવા તરફ આવી રહી છે. જે બાતમીનાં આધારે મહુવા પોલીસની ટીમ કરચેલીયા–મહુવા રોડ પર કાછલ કોલેજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રક આવતા જ પોલીસે તેને રોકી ચાલક અરવિંદ બાપજી ઓઝરિયા (રહે.નીલમઘની ગામ, કપરાડા, વલસાડ)ની અટક કરી હતી.
જોકે ટ્રકમાં તપાસ કરતાં અંદરથી 5616 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો અને 3.84 લાખ રૂપિયાનો વિદેશી દારૂ 5 લાખની કિંમતની ટ્રક અને 1 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન મળી પોલીસે કુલ 8.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસ પૂછપરછમાં ચાલકે જણાવ્યુ હતું કે, આ ટ્રક તેને અરનાલા ગામથી ધર્મેન્દ્ર નામના શખ્સે આપી હતી અને બારડોલીની ધુલિયા ચોકડી પાસે પહોંચીને અન્ય શખ્સને આપવા જણાવ્યુ હતું. આ માટે તેને એક હજાર રૂપિયા મળવાના હતા. પોલીસે ધર્મેન્દ્ર સહિત બેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500