બારડોલી તાલુકાનાં કડોદ ગામે મોરા ફળિયામાં આવેલ મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગથી ઘર વખરીને મોટું નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર, કડોદ ગામે મોરા ફળિયામાં રહેતા જગદીશભાઈ લલ્લુભાઈ ઢીંમર (ઉ.વ.40) તેમની ભાભી રંજનબેન રમેશભાઈ ઢીંમર, ભત્રીજો ચિરાગ રમેશ ઢીંમર અને ભત્રીજી રીયા રમેશ ઢીંમર સાથે રહે છે અને માછલીની જથ્થાબંધ વેપાર કરે છે. જયારે ગતરોજ સવારે રંજનબેન માછલી લેવા માટે સુરત ગયા હતા.
જોકે ચિરાગ બારડોલી કોલેજ ગયો હતો અને જગદીશભાઈ નવસારી ખાતે રહેતા તેમના મામાને ત્યાં જવા નીકળ્યા હતા. જ્યારે રીયા ઘરે એકલી જ હતી. દરમ્યાન સાડા દસ વાગ્યાની આસપાસ ઘરમાં અચાનક ધુમાડો નીકળવા લાગતાં રીયાએ બૂમાબૂમ કરી મૂકી હતી આથી આજુબાજુનાં લોકો ભેગા થઈ ગયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ આગ કાબૂમાં આવી શકી ન હોય બારડોલી ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે ઘરમાં રહેલ ઘરવખરી, સોફા, લાકડાના કબાટ, ટીવી, સ્ટીલના કબાટ, ફ્રિજ, બેડ, વાસણો, પાણીની મોટર, કપડાં, ગાદલાં, અનાજ, રોકડ રૂપિયા, પંખા, મોબાઇલ ફોન, અન્ય દસ્તાવેજો સહિતનો સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. આગ ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અંદાજિત 30 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નસીબજોગ કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ વધુ તપાસ કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવા કરી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500