સુરતનાં સીમાડા નાકા નજીક ફ્લાય ઓવર બ્રિજ પર પૂરપાટ ઝડપે પસાર થતી એસટી બસનાં ચાલકે પાસોદરાના ધોરણ-12ને અડફેટેમાં લેતાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાસોદરા ઓમ ટાઉનશિપ ખાતે રહેતા મનીષભાઈ સાવલિયા ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને તેમનો 17 વર્ષીય પુત્ર જેનીલ લસકાણાની સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જોકે અભ્યાસની સાથે સાથે પિતાને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થવા માટે નાઈટમાં હીરાના કારખાનામાં કામ પણ કરતો હતો. જેથી મંગળવારે રાત્રે જેનિલ બાઈક પર કારખાને જવાં માટે નીકળ્યો હતો.
તે દરમિયાન સીમાડા નાકા પાસે બ્રિજ પરથી પસાર થતી વખતે પૂરઝડપે દોડતી એક લાલ કલરની મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસના ચાલકે તેને અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો. બસની અડફેટે જેનીલનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જેનિલના મોબાઈલમાંથી મળી આવેલા નંબરના આધારે કોઈક રાહદારીએ પરિવારને જાણ કરતાં પરિવાર ઘટના સ્થળે દોડી આવી હતી. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500