ગાંધીનગરનાં પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી સાયલા ખાતે લઈ જઈ બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સરઢવ ગામથી કલોલ જતા રોડ ઉપર આરોપી ગુલાબસંગ મેવાજી ઠાકોર રહે,પરશુદ,સાતલપુર, પાટણ દ્વારા લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો અને સાયલા તેમ જ ડીસા ખાતે અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેણી સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી.
જે સંદર્ભે સગીરના પિતા દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી પી.એમ ઉનડકટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી ગુલાબસંગ મેવાજી ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૩.૨૦ લાખનો દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application