આજથી ત્રણેક વર્ષ પહેલાં કાપોદ્રાની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઈને સગીરાની ઈચ્છા વિરુધ્ધ એકથી વધુવાર શરીર સંબંધ બાંધનાર આરોપી યુવકને પોક્સો કેસોની ખાસ અદાલતનાં એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ દોષી ઠેરવી બળાત્કારનાં ગુનામાં 20 વર્ષની સખત કેદ, 20 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જ્યારે ભોગ બનનારને રૂપિયા 3 લાખ અથવા આરોપી દંડ પેટે જમા 35 હજાર જમા કરાવે તો 3.35 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, કાપોદ્રા વિસ્તારમાં રહેતી 15 વર્ષ અને 11 માસની સગીરાને લગ્નની લાલચ આપીને ગત તા.1/7/19નાં રોજ મૂળ અમરેલી લાઠીના વતની 31 વર્ષીય આરોપી રત્નકલાકાર શિવાભાઈ નારણ મકવાણા (રહે.આનંદ એપાર્ટમેન્ટ, કાપોદ્રા) નાએ વાલીપણાના કબ્જામાંથી ભગાડી જઈ જુનાગઢ અને સોમનાથ વગેરે સ્થળોએ લઈ જઈ 15 દિવસો સુધી સાથે રાખી ભોગ બનનારની ઈચ્છા વિરુધ્ધ એકથી વધુવાર શરીર સંબંધ બાંધ્યા હતા. બનાવ અંગે સગીરનાં પિતાએ આરોપી વિરુધ્ધ તા.1/8/2019નાં રોજ કાપોદ્રા પોલીસમાં પોક્સો એક્ટ સહિત ઈપીકો કલમ 363, 366, 376(2)(એન), 376(3)ની ફરિયાદ નોંધાવી હતી.
જયારે કેસની કાર્યવાહીમાં બચાવ પક્ષે ગુનાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીરાનાં સંબંધ હાર્દિક નામના છોકરા જોડે હતા. જેણે સગીરને ફોન લઈ દીધો હોવાની જાણ તેની માતાને થતા ફોન લઈ લીધો હતો તેમજ આરોપી તથા ભોગ બનનાર વચ્ચે મિત્રતાનાં સંબંધ હોઈ કોઈ બદકામ કર્યું ન હોઈ હાલની ખોટી ચાર્જશીટ કરી છે.
જ્યારે એપીપી વિશાલ ફળદુએ મુખ્ય સાક્ષીઓ સહિત કુલ સાત સાક્ષીઓની જુબાની તથા 18 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. ભોગ બનનારે તબીબ પાસે આપેલી હિસ્ટ્રીમાં પણ આ બાબત પુરવાર થાય છે. આરોપીને તપાસ એજન્સીનાં કોઈપણ સાક્ષી સાથે દુશ્મના વટ હોવાનો પુરાવો કે બચાવપક્ષે રજુ કર્યો નથી. ભોગ બનનાર સગીર હોઈ આરોપીની સાથે 15 દિવસ સુધી રહેવા દરમિયાન તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનું પુરવાર થાય છે.
આરોપીને દોષી ઠેરવી કોર્ટે જણાવ્યું હતું કે, ઈપીકો 376(3)નો ઉમેરો કરવામાં આવ્યો છે તે મુજબ 16 વર્ષથી નીચેની વયની સ્ત્રી પર બળાત્કાર કરે તેને 20 વર્ષથી ઓછી નહી તેવી સખત કેદની સજા જે આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે. જેથી હાલમાં આરોપીને ઓછી સજા કરવાનું કોઈ કારણ અદાલત પાસે ઉપલબ્ધ નથી. જેથી કોર્ટે બળાત્કારનાં ગુનામાં 20 વર્ષની સખત કેદ, 20 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500