તાપી જિલ્લાનાં વાલોડમાં રામનવમી એટલે કે રવિવાર નારોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ પોતાની ફોરવ્હીલ ગાડીમાં છાશ આપવા જઈ રહેલા વાલોડના જ રાજપૂત યુવાનોને સ્થાનિક બે વિધર્મીઓએ માર મારતા મામલો તંગ બની ગયો હતો. જોકે બનાવની ગંભીરતા અને રામનવમીને ધ્યાને લઈ વાલોડ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફ્લો દોડી આવ્યો હતો. પોલીસે વાલોડના બંને વિધર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ ખાતે આવેલ લીજ્જત પાપડ ચોકડી પાસેથી વાલોડ દોડીયા ફળિયાના હેમરાજ હરેશસિંહ પરમાર તેનો મિત્ર વત્સલસિંહ દીપકસિંહ પરમાર, યુવરાજસિંહ હિતેન્દ્રસિંહ પરમાર તથા ભાવિક રણજીતસિંહ પરમાર અને યુગ અજયસિંહ પરમાર એક મારૂતિ ઇકો ગાડીમાં બેસીને છાશ આપવા જતા હતા.
આ દરમિયાન વાલોડ લીજ્જત ચોકડી પાસેથી સામેથી એક સ્પ્લેન્ડર બાઈક પર સફ્ફાન હનીક્ભાઈ આમલીવાલા અને તેની સાથે એક કિશોર દ્વારા રોડ પર જ ઈકો ગાડીવાળા હેમરાજ પરમારને ‘તું અમને હાથનો ઈશારો કેમ કરતો હતો’ તેમ કહી રોડ પર ગાડી અટકાવીને ભારે દાદાગીરી સાથે રાજપુત યુવાનો સાથે બબાલ ચાલુ કરી હતી. બંને વિધર્મીઓએ હેમરાજ પરમાર અને વત્સલસિંહ દિપકસિંહ પરમારને ઢીકમુક્કીનો માર મારવાનું ચાલુ કર્યું હતું. વચ્ચે પડેલા ભાવિક પરમારને સ્ટીલના કડાથી દાઢીના ભાગે મુઢ માર માર્યો હતો અને ઈજા પહોંચાડી હતી.
ત્યાર બાદ બંને હુમલાખોરોએ ચપ્પુ બતાવીને રાજપૂત યુવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાલોડમાં રામનવમીએ સવારમાં જ બે ધર્મના યુવાનો સાથે બબાલ થતાં મામલો તંગ બની ગયો હતો. જેની જાણ થતા જ વાલોડ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. જોકે પરિસ્થિતિ પામી ગયેલા તાપી એસપી રાહુલ પટેલ, ડીવાયએસપી જે એસ નાયક, ડીવાયએસપી પીજે નરવડે અને પોલીસ કાફ્લો વાલોડ દોડી ગયો હતો. પોલીસે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ ચાલુ કરી દીધું હતું. બનાવ અંગે વાલોડ પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500