બીલીમોરા સોમનાથ મંદિર નજીકની સોસાયટીમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી લોખંડનાં કબાટ તોડી તેમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાં અને રૂપિયા 40 હજાર રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.60 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બીલીમોરા સોમનાથ મંદિર પાસે આવેલી શિવચરણ સોસાયટીમાં રહેતા ગીતાબેન જીતેન્દ્ર સોલંકી (ઉ.વ.62) પતિ, પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે.
જોકે તેઓ તેમના પતિ સાથે દિયરની બાયપાસ સર્જરી હોવાથી ગત તા.19મી ઓગસ્ટના રોજ વડોદરા ગયા હતા અને તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરે જ હતા. તે દરમિયાન ગત તા.22મી ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે પોતાના કામ અર્થે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરને તાળુ મારી સુરત-વલસાડ કામ અર્થે જવા નીકળ્યા હતા.
તે દરમિયાન દિનદહાડે બંધ મકાન જોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને જેમાં ચોરો ઘરનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદરનાં રૂમમાં આવેલા કબાટમાંથી સોનાનું કડું, સોનાની લકી ચેઇન, સોનાની બે ચેઇન, વીંટી, કાનમાં પહેરવાની એક બુટ્ટી, નાકમાં પહેરવાની પાંચ જળ, ચાંદીનો ડબ્બો, થાળી, વાટકો ગ્લાસ, સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મંગળસૂત્ર તેમજ રોકડા રૂપિયા 40 હજાર મળી કુલ રૂપિયા 3.60 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જયારે સાંજે પોતાનું કામ પતાવીને તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો તેમજ અંદર સામાન વેરવિખેર જોતાં તેમને કઈ અઘટિત બન્યું હોવાનું જણાયું હતું. કબાટમાં તપાસ કરતા ઘરેણાં ગુમ હતા. તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા ગીતાબેનને જાણ કરતા તેઓ ઘરે આવ્યા હતા જેથી ઘરમાં ચોરીની ફરિયાદ બીલીમોરા પોલીસને આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500