નર્મદાનાં દેડિયાપાડા-સાગબારા હાઇવે પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાય જવાથી બાઇક રોડની સાઇડ પર ઉતરી ગયા બાદ ઝાડ સાથે અથડાતાં 3 મિત્રોનાં મોત નીપજ્યા હતા. જયારે આ બનાવ સાગબારાથી માત્ર 1 કિમિ દુર આવેલાં કુંબીકોતર પાસે બનાવ બન્યો હતો. જોકે રાતનાં અંધકારમાં કોઇની મદદ નહિ મળવાથી ત્રણેય ઇજાગ્રસ્તોએ જીવ ગુમાવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, સાગબારાનાં પાનખલા ગામના 3 યુવકો જેમાં હિતેશ જીતુ પાડવી, કુશો પાડવી અને આનંદ પાડવી બાઇક લઇને દેડીયાપાડા લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. દેડિયાપાડાથી લગ્નપ્રસંગ પતાવી સાગબારા પરત આવી રહયાં હતાં.
તે સમયે તેમની બાઇકને ગમખ્વાર અકસ્માત નડયો હતો. બાઇક ચલાવી રહેલાં યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઇક રોડની સાઇડમાં ખાડીમાં પડીને ઝાડ સાથે ધડાકાભેર અથડાય હતી. જેમાં વેરાન જગ્યા હોવાથી ઇજાગ્રસ્ત યુવકો આખી રાત તડપતા રહયાં હતાં. જયારે બીજી તરફ રાત વીતી જવા છતાં ત્રણેય યુવકો પરત નહિ આવતાં પરિવારજનો શોધખોળ કરવા માટે નીકળ્યાં હતાં પણ યુવાનોનો કોઇ પત્તો લાગ્યો ન હતો. અકસ્માતના કલાકો બાદ કોઇ રાહદારીએ ત્રણેય યુવકોને જોતા પોલીસને જાણ કરી હતી.
આમ, સાગબારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણેય યુવકોનાં મોત નીપજ્યા હોવાની અને પાનખલા ગામના હોવાનું જણાતા તેમના વાલીઓને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય યુવાન ડેડીયાપાડાથી લગ્નમાંથી ઘરે સાગબારા આવતા હતા લાઈટથી અંજાઈને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા અને જ્યાં ઝાડ સાથે અથડાઇ જતા આખી રાત ત્યાંને ત્યાં રહ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેમને હોશ જ નાં આવ્યો અને તેમના કરુણ મોત નીપજ્યા હતાં. બનાવ અંગે પાનખલા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવારજનો ઉપર જાણે દુઃખનું પહાડ તૂટી પડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500