ડેડીયાપાડા તાલુકાનાં કુંડીઆંબા ગામેથી બે નંબરી ખેરનાં લાકડા ભરેલી ટ્રક પકડી પાડી હતી. જોકે અંધારાનો લાભ લઈ ગાડીમાં લાકડા ભરતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. જ્યારે ટ્રક ડ્રાઈવર ઝડપાઇ જતાં તેની ધરપકડ કરી રૂપિયા 7.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, સોરાપાડા રેન્જ આર.એફ.ઓ. અને વન વિભાગનાં કર્મચારીઓને ડેડીયાપાડા રેન્જ કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીના લાકડાની હેરફેર થવાની છે.
તેવી મળેલી બાતમીનાં આધારે ડી.સી.એફ. તેમજ એ.સી.એફ.નાં માર્ગ દર્શન હેઠળ આર.એફ.ઓ. સોરાપાડા, આર.એફ.ઓ. મોબાઇલ સ્કોડ, તેમજ સોરાપાડા રેન્જ અને ડેડીયાપાડા રેન્જનાં સ્ટાફ સાથે મળીને રાત્રિનાં સમયે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે કુંડીઆંબાથી કેવડી જવાના રસ્તામાં બે નંબરી ખેરના લાકડા ભરેલી ઝડપી પાડી હતી. વન વિભાગનાં અધિકારીઓને જોઈ અંધારાનો લાભ લઈ લાકડા ભરનાર લાકડા ચોરો ભાગી છૂટયા હતા.
પરંતુ ટ્રક ચાલકને વન વિભાગનાં કર્મચારીઓએ ઝડપી પાડયો હતો. પકડાયેલી ટ્રકની તપાસ કરતા ખેરના લાકડા નંગ 98 ઘન મીટર 1.421 જેની અંદાજિત કિંમત 75,000 અને એક ટ્રક અંદાજિત કિંમત રૂપિયા 6,45,000 સહિત કુલ રૂપિયા 7,20,000/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લાકડા ક્યાંથી આવ્યા કોનાં છે અને કોણ કોણ આ લાકડા ચોરીમાં સંડોવાયેલ છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500