કેરળમાં એક પ્રેમિકાએ તેના પ્રેમીની હત્યા કરી હતી, આ મામલે તિરુવનંતપુરમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પ્રેમિકાને ફાંસીની સજા આપી છે. વર્ષ ૨૦૨૨માં ગ્રીષ્માએ તેના ૨૩ વર્ષીય બોયફ્રેન્ડ શેરોન રાજની હત્યા કરી હતી. આ હત્યામાં સામેલ ગ્રીષ્માના કાકાને પણ ત્રણ વર્ષની કેદની સજા અપાઇ છે. જોકે હત્યારી ગર્લફ્રેન્ડની માતાને આરોપોથી મૂક્ત કરાઇ હતી. ફાંસીની સજા આપતી વખતે નેય્યાત્તિકારા એડિશનલ સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર કેસ હોવાથી આરોપીની ઉંમર પર ધ્યાન આપવામાં નથી આવ્યું. આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે તેની ઉંમર બહુ જ નાની છે અને શૈક્ષણિક પદવી પણ ધરાવે છે.
જેને પગલે કોર્ટે આ અવલોકન કર્યું હતું અને ફાંસીની સજા આપતી વખતે ઉંમર પર ધ્યાન નહોતુ આપ્યું. શેરોન રાજ અને ગ્રીષ્મા બન્ને પ્રેમ સંબંધમાં હતા, જોકે ગ્રીષ્મા સંબંધ ખતમ કરવા માગતી હતી પરંતુ શેરોન ના પાડી રહ્યો હતો. અંતે ગ્રીષ્માએ શેરોજને ઝેર આપ્યું હતું, જેને કારણે શેરોનનુ ઓર્ગન ફેઇલ થવાથી મોત નિપજ્યું હતું. ઘટનાના દિવસે ગ્રીશ્માએ શેરોનને પોતાના ઘરે બોલાવ્યો હતો અને આયુર્વેદિક પીણુ હોવાનું કહીને તેને ઝેર પીવડાવી દીધુ હતું. ગ્રીષ્માના પરિવારે તેના લગ્ન અન્ય કોઇ યુવક સાથે નક્કી કરી દીધા હતા તેથી તે શરોનથી પીછો છોડાવવા માગતી હતી.
શેરોન પોતાના ઘરે જવા નીકળ્યો તે દરમિયાન ઝેરની તેના પર અસર થવા લાગી હતી અને ૧૧ દિવસ બાદ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે શેરોનનું સ્વાસ્થ્ય ખરાબ થયું ત્યારે તેના પરિવારે ગ્રીષ્માની પૂછપરછ કરી હતી પરંતુ તેણે ઝેર આપ્યું હોવાની વાત છૂપાવી હતી. કોર્ટે આ મામલે ચુકાદો આપતા નોંધ્યું હતું કે ગ્રીશ્માએ તેને પ્રેમ કરનારાની સાથે જ આ પ્રકારની છેતરપિંડી કરી છે, જેનાથી સમાજમાં સારો સંદેશો નથી ગયો. તપાસ ટીમના પણ કોર્ટે વખાણ કર્યા હતા. અંગે આ મામલે હત્યારી ગર્લફ્રેન્ડ ગ્રીષ્માને ફાંસીની સજા અપાઇ છે. જ્યારે હત્યામાં મદદ કરનારા તેના કાકાને પણ ત્રણ વર્ષની કેદની સજા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500