બ્રાઝીલના ઉત્તરી સાઓ પાઉલો રાજ્યમાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખનલનને કારણે ઓછામાં ઓછા 36 લોકોનાં મોત થયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. સાઓ સેબસ્ટિયાઓ શહેરમાં 35 લોકોનાં મોત થયા છે, જ્યારે ઉબાતુબામાં સાત વર્ષીય બાળકીનું મોત થયું છે. સાઓ સેબસ્ટિયાઓ, ઉબાતુબા, ઇલ્હાબેલા અને બર્ટિઓગા શહેર સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. આ કુદરતી આફતને ધ્યાનમાં રાખીને કાર્નિવલ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે. બચાવ કામગીરી કરી રહેલી ટીમ લાપતા, ઘાયલ અને કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહી છે.
સાઓ સેબસ્ટિયાઓના મેયર ફેલિપ ઓગસ્ટોએ જણાવ્યું છે કે, અમારી બચાવ ટીમ દરેક સ્થળે પહોંચી શકે તેમ નથી. ભૂસ્ખલનને કારણે અનેક લોકો લાપતા છે અને 50થી વધુ મકાનો ધરાશયી થઇ ગયા છે. બ્રાઝીલનાં પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તે અસરગ્રસ્ત વિસ્તારોની યાત્રા કરશે. સાઓ પાઉલોમાં એક જ દિવસમાં 23.6 ઇંચથી વધારે વરસાદ પડયો છે જે એક દિવસમાં પડેલો અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ છે એકલા બર્ટિયોગામાં આ સમયગાળા દરમિયાન 687 મિમી વરસાદ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500