ગાંધીનગર શહેર તેમજ આસપાસનાં વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી કારના કાચ તોડીને તેમાં રાખવામાં આવેલી કિંમતની માલ સામાનની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ત્યારે ગાંધીનગર LCBની ટીમે સે-24માં દાગીના વેચવા આવેલા ઉમરેઠના યુવાનને ઝડપી લીધો હતો અને કારના કાચ તોડીને ચોરીની 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી સાડા ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાર્કિંગ પ્લેસ કે પછી લગ્ન સમારંભમાં પાર્ક થયેલા વાહનોના કાચ તોડીને તેમાંથી કિંમતી માલ સામાન ચોરી લેવાની ઘટનાઓ વધી હતી. જેના પગલે પોલીસ આ ટોળકીને શોધવા માટે મથામણ કરી રહી હતી. ત્યારે ગાંધીનગર LCBની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-24માં એક શખ્સ ચોરીના દાગીના વેચવા આવી રહ્યો છે.
જે બાતમીને પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને અકિલ સલિમભાઇ વોરા (રહે.ઉમરેઠ) નાને ઝડપી લીધો હતો જેની પાસેથી 10 તોલાનાં દાગીના અને ચોરીના કામ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર કબ્જે કરવામાં આવી હતી. આ આરોપીની પુછપરછ દરમ્યાન તેણે છેલ્લા સાત આઠ મહિનામાં ગાંધીનગર જિલ્લાના સેક્ટર-21, ચિલોડા, અડાલજ તથા મહેસાણાના ખેરાલુ, ઉંઝા તેમજ ગોધરા જેવા શહેરોમાંથી કારના કાચ તોડીને ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે સંદર્ભે નોંધાયેલા છ જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. આ આરોપી સામે અગાઉ આણંદ, વડોદરા, અમદાવાદમાં નવ જેટલા ગુના પણ નોંધાયેલા છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500