કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ દેશને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલા તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ વીજ ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તાર જેવી મોટી પરિયોજનાઓ સામેલ હતી. કેન્યા સરકારે અદાણી ગ્રૂપની સાથે થયેલા 700 મિલિયન ડોલરના પાવર ટ્રાન્સમિશન ડીલ રદ કરી દીધી છે. આ ડીલ દેશમાં વીજળીના ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાને લઈને હતી. આ સિવાય અદાણી ગ્રૂપના 1.8 બિલિયન ડોલર, જે એક ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તાર માટે હતો, તેને પણ રદ કરી દેવાયો છે. અદાણી ગ્રૂપ પર તાજેતરમાં અમેરિકામાં લાંચ લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ આરોપો બાદ કેન્યા સરકારે આ પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે, 'તેમની સરકાર પારદર્શિતા અને ઈમાનદારીના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છાપ અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી આપશે નહીં. રાષ્ટ્રપતિ રૂટોએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'અમે એવા કોઈપણ કરારને સ્વીકારીશું નહીં જે આપણા દેશની નીતિઓ અને મૂલ્યોની વિરુદ્ધ જાય.' કેન્યા સરકારના આ નિર્ણયની દેશની વિકાસ યોજનાઓ પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે. હવે દરેકની નજર અદાણી ગ્રૂપની પ્રતિક્રિયા અને કેન્યા સરકારના આગામી પગલા પર છે.
અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપના મુખ્ય અંશ જેમાં વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 25 કરોડ ડોલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી, બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલરનું ફંડ ભેગું કર્યું, બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા, આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500