લગ્નજીવનના માત્ર ત્રણ વર્ષના ટુંકાગાળામાં દોઢ વર્ષની માસુમ પુત્રીને મુકીને જીવતર ટુંકાવનાર પુત્રવધુને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી સાસુ-સસરાએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજએ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ માનીને નકારી કાઢી છે. બનાવી વિગત એવી છે કે, મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની 63 વર્ષીય કાંતીભાઈ જગજીવન બરવાળીયા તથા 55 વર્ષીય ગીતાબેનના પુત્ર હિમાલય સાથે સંજનાબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયા હતા. લગ્નજીવનથી એક પુત્રીનો જન્મ થયા બાદ સાસરીયા દ્વારા ઘરના કામકાજ, કપડા પહેરા તથા જમવાના બનાવવાના મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતાં હતો.
જેનાથી કંટાળીને સંજનાબેને દોઢ વર્ષની પુત્રીને મુકીને જીવનદોરી ટુંકાવી લીધી હતી. હાલમાં જેલવાસ ભોગવતા આરોપી સાસુ-સસરા કાંતિભાઈ તથા ગીતાબેન બરવાળીયાએ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના પ્રસ્થાપિત ચુકાદા મુજબ મરણજનારને એ હદ સુધીનો સખત અને સતત ત્રાસ હોવો જોઈએ કે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય. જો હાઈપર સેન્સીટીવીમાં વધુ સંવેદનશીલ થઈ આત્મહત્યા કરે તો તેને આત્મહત્યાની દુષ્પ્રેરણાની વ્યાખ્યામાં ન પડે.
આરોપીઓ સામે ચાર્જશીટ રજુ થઈ ગયું હોય જામીન મુક્ત કરવામાં આવે તો બચાવ કરવાની ઉજળી તક છે. જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, મરનારનું લગ્નજીવન માત્ર ત્રણ વર્ષ ચાર માસનું છે. સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવતા ફરિયાદની હકીકતને સમર્થન આપ્યું છે. આરોપીઓના અસહ્ય ત્રાસથી પોતાની દોઢ વર્ષની પુત્રીને મુકીને મરનારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ કેસના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. જેને કોર્ટે માન્ય રાખી ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈને આરોપી સાસરીયાના જામીનની માંગને નકારી કાઢી છે.આરોપીઓના ત્રાસથી ફરિયાદીની પુત્રીને જ નહીં પરંતુ મરનારની નિર્દોષ માત્ર દોઢ વર્ષની પુત્રીને માતાનો ખોળો અને વ્હાલ જીવનભર માટે ખોવાનો વારો આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500