રાજયનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં નોટિફાઇડ એરિયાનાં ચીફ ઓફિસરનાં આદેશ મુજબ જાહેર માર્ગ પર દબાણ કરી મૂકી રાખેલ લારીઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવાસન સ્થળ ઉપર જાહેર માર્ગ પર સહેલાણીઓને નડતરરૂપ વધારાની લારી અને કેબિનો તેમજ વધારાના જાહેરાતનાં બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા.
સાપુતારામાં ઘણા સમયથી નવાગામનાં સ્થાનિક વેપારીઓની જગ્યા ઉપર મહારાષ્ટ્ર સહિત અન્ય બહારથી આવતા વ્યક્તિઓ દ્વારા લારી મૂકી ખોટી રીતે જગ્યા ઉપર કબજો જમાવવાનું કાવતરું ચાલતું હતું. આ બાબત વહીવટી અધિકારીને ધ્યાને આવતા સાપુતારામાં શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસો પુરતા વેપાર કરવા માત્ર જગ્યા રોકી રાખવા માટે બંધ લારી અને કેબિનો મૂકી રાખવામાં આવતી હતી.
જે બંધ કેબીનો અને લારીને કારણે ગિરિમથકની સુંદરતા અને સ્વચ્છતાને અસર થતી હોય આવી જગ્યાએ સફાઈ કરવી જરૂરી સમજી સાપુતારામાં આવતા પ્રવાસીઓને કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે અધિકારીનાં આદેશ મુજબ નોટિફાઇડ કચેરીનાં કર્મચારીઓએ સ્વાગત સર્કલથી લઈને લેક્વ્યુ હોટલ સુધી બંધ રહેલી તમામ લારીઓ ઉઠાવી લેતા ગેરકાયદેસર દબાણ ધારકોમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાપુતારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની બાજુમાં અને ટેબલ પોઇન્ટ ઉપર યુપી બિહારનાં પરપ્રાંતીય શખસો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી હોય તેમની સામે પણ નોટીફાઈડ કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500