રાજધાની દિલ્હીમાં શાળાઓ સોમવારથી ફરી શરુ કરવામાં આવી છે. જયારે વાયુ પ્રદૂષણને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રદૂષણ વચ્ચે તમામ સરકારી અને ખાનગી શાળાઓ સોમવાર શરૂ કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, હવે પ્રી-સ્કૂલથી લઈને 12માં સુધીના ઓફલાઈન ક્લાસ લેવામાં આવશે. આ સિવાય આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે વધતા પ્રદૂષણને જોતા સરકારે શિયાળાની રજા પહેલા રજાઓ જાહેર કરી હતી.
સામાન્ય રીતે દિલ્હીમાં શિયાળાની રજા ડિસેમ્બરમાં હોય છે. જોકે કેટલીક ખાનગી શાળાઓએ નર્સરીથી ધોરણ 5 સુધીનાં વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ કહે છે કે, પ્રદૂષણ હજુ પણ ખરાબ શ્રેણીમાં છે, તેથી નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે, શાળાઓમાં સવારની પ્રાર્થના અને આઉટડોર પ્રવૃત્તિઓ પર એક સપ્તાહ સુધી પ્રતિબંધ રહેશે. રાજધાનીમાં વાયુ પ્રદૂષણને કારણે તારીખ 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી હતી. આ રજાઓ બાદ હવે તારીખ 20મી નવેમ્બરથી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તમામ શાળાનાં વડાઓને આ અંગે વાલીઓને જાણ કરવા જણાવાયું છે. અગાઉ ખરાબ હવાની ગુણવત્તાને કારણે, તારીખ 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી રજાઓની જાહેરાત સાથે ઓનલાઈન વર્ગો ચલાવવા માટે કહેવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500