રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતનાં સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે, સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જિલ્લામાં ઘણાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે.
જોકે આ વાઈરસના ફેલાવવા માટે સેન્ડ ફ્લાય (માખી) જવાબદાર છે. આ પરિસ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સંધ્યા વિશાભર સિંગને તાવમાં ખેંચ આવી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાંથી શનિવારે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ બાળકીમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જાણતા તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરા પહેલો કેસ નોંધાયો છે. જેને લીધે આરોગ્ય વિભાગમાં ફફડાટ સાથે અધિકારી અને કર્મચારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ચાંદીપુરાનાં વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે 7 બાળકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 9 કન્ફર્મ કેસ થયેલા છે. હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુઆંક વધીને 27 થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500