બારડોલીનાં યુવકે ખેડૂતને મોબાઈલ ઉપર બેંકના નામે આધારકાર્ડ અપડેટ કરવાનો મેસેજ મોકલીને અજાણ્યા શખ્સે બેંકના લોગો સાથે એપ્લિકેશન લીંક મોકલી હતી. ખેડૂતે લીંક ખોલી પોતાનો પીન નંબર નાંખતા જ થોડીવાર પ્રોસેસ બાદ મોબાઈલ ઉપર બેંકમાંથી ૪૫ વખત રૂપિયા ૫,૦૦૦ પ્રમાણે કુલ રૂપિયા ૨,૨૫,૦૦૦ ઉપડી જતાં ખેડૂતે સાયબર હેલ્પ લાઈન ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, બારડોલી નગરમાં સંગીની રેસીડેન્સીમાં ભાર્ગવ કિશોરભાઈ પટેલ પત્ની ખુશ્બુ અને પુત્રી સાથે રહે છે અને ખેતી કરે છે. ભાર્ગવ પટેલ તારીખ ૦૮-૧૨-૨૦૨૪ નારોજ ઘરે હાજર હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યે મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબરથી આધારકાર્ડ અપડેટ કરવા વ્હોટ્સએપ ઉપર મેસેજ આવ્યો હતો. મેસેજમાં ભાર્ગવ પટેલનું જે બેંકમાં ખાતું હતું તે બેંક ઓફ ઇન્ડિયાના લોગો સાથે એપ્લિકેશન લિંક મોકલેલી હતી.
ભાર્ગવ પટેલે આ મેસેજ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાંથી આવેલો હોવાનું સમજીને એપ્લિકેશન લિંક ખોલી મોબાઇલમાં બેંક ઓફ ઇન્ડિયાનો પીન નંબર નાંખતા જ થોડીવાર પ્રોસેસ થયા બાદ રૂપિયા ૫,૦૦૦ પ્રમાણે સતત ૪૫ વખત કુલ રૂપિયા ૨,૨૫,૦૦૦ કપાયા હોવાના મેસેજો આવ્યા હતાં. જેથી તરત જ ભાર્ગવ પટેલે સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે બારડોલી ટાઉન પોલીસે ભાર્ગવ પટેલની ફરિયાદ લઈ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500