આ વર્ષે હોલિકા દહન આજે એટેલે કે તારીખ 13 માર્ચે કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે 14 માર્ચે રંગોથી હોળી ઉજવવામાં આવશે. હોળી એ વસંત ઋતુમાં ફાલ્ગુન મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ તહેવાર છે. જે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીને ફાલ્ગુની પણ કહેવામાં આવે છે કારણ કે તે ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર પરંપરાગત રીતે બે દિવસ માટે ઉજવવામાં આવે છે.
પહેલા દિવસે હોલિકા દહન થાય છે. ત્યારબાદ, બીજા દિવસે રંગોથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન આજે એટેલે કે તારીખ 13 માર્ચેના રોજ કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે 14 માર્ચે રંગોથી હોળી ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, હોળીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તે રોગો વગેરેથી પણ રાહત આપે છે. દંતકથા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને હોલિકાથી બચાવ્યો હતો. તો ચાલો જાણીએ હોલિકા દહનનો શુભ મુહૂર્ત અને મહત્વ.
આજનું હોલિકા દહન મુહૂર્ત...
આ વખતે ‘હોલિકા દહન’ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વખતે આ તહેવાર 13 માર્ચે છે જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે ‘હોલિકા દહન’ 14 માર્ચે થશે. તો ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ. હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા 13 માર્ચે સવારે 10:35 વાગ્યાથી શરૂ થશે, પરંતુ ભદ્રકાળ સવારે 10.35 વાગ્યાથી 11.26 વાગ્યા સુધીનો છે, તેથી ‘હોલિકા દહન’નો કાર્યક્રમ 13 માર્ચે રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થશે. પૂર્ણિમાનું વ્રત ફક્ત 13 માર્ચે જ રાખવામાં આવશે અને રંગોથી હોળી 14 માર્ચે ઉજવવામાં આવશે.
હોલિકા દહનનું મહત્વ...
હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓમાંથી મળે છે. દંતકથા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને હોલિકાથી બચાવ્યો હતો. હોલિકા દહનની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત, હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે. આ તહેવાર પ્રતીકાત્મક રીતે દેવતાઓને પુષ્કળ પાક અર્પણ કરીને અને આગામી વર્ષમાં સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરીને ઉજવવામાં આવે છે.
હોલિકા દહન પૂજા વિધિમાં હોલિકા દહન માટે, લાકડા અને ગાયના છાણના ખોળિયા એક સ્વચ્છ અને પવિત્ર સ્થળે એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ પૂજા માટે ગંગાજળ, રોલી, અક્ષત, હળદર, ગુલાલ, ફૂલો, નારિયેળ અને ચોખાનો ઉપયોગ થાય છે. હોળીના દિવસે, શરીરની આસપાસ સાત વખત કાચો દોરો વીંટાળવામાં આવે છે અને પરિક્રમા કરવામાં આવે છે. આ પછી, ભગવાન નરસિંહ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી, હોળી પર ઘઉંના કણસલાં અને ચણા જેવા નવા પાક ચઢાવવામાં આવે છે. હવન અગ્નિમાં ગોળ, ઘી, નારિયેળ અને હવન સામગ્રી નાખીને કરવામાં આવે છે. ખરાબ ટેવો અને નકારાત્મકતા દૂર કરવા માટે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવમ આવે છે તેમજ જીવનમાં સકારાત્મકતા લાવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.
હોલિકા દહનનું સામાજિક મહત્વ એ છે કે, ઘમંડ અને અન્યાયનો અંત નિશ્ચિત છે, તેથી દરેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ. જો હોલિકા ઘમંડી ન હોત, તો તે ક્યારેય બળીને રાખ ન થઈ હોત. પરિવાર અને સમાજમાં પ્રેમ અને સંવાદિતા વધે છે. આ દિવસે લોકો પોતાની ફરિયાદો ભૂલી જાય છે અને એકબીજાને ગળે લગાવે છે. હોલિકા દહનની રાખ ઘરે લાવીને તિલક તરીકે લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે, તેથી આ દિવસે આ કાર્યો ચોક્કસ કરો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500