Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાકભાજી અને ફળોનાં ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો

  • May 18, 2022 

એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 15.08 ટકાનાં વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. શાકભાજી અને ફળોના ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ ફુગાવો વિક્રમજનક સ્તરે પહોંચી જતાં આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી મહિને ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે. એપ્રિલમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) 15.8 ટકા રહ્યો છે જે વર્તમાન સિરીઝ 2011-12નો સૌથી વધુ છે. જૂની સિરીઝની વાત કરવામાં આવે તો 15.8 ટકાથી વધુ જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટ, 1991માં 16.06 ટકા નોંધવામાં આવ્યો હતો.



આમ એપ્રિલ, 2022માં નોંધવામાં આવેલો જથ્થાબંધ ફુગાવો છેલ્લા 30 વષનો સૌથી વધુ રહ્યો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય, ઇંધણ, મેન્યુફેકચરિંગ અને વીજળીનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખાદ્ય તેલ, બેઝિક મેટલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ, ફૂડ પ્રોડક્ટ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટના ભાવ વધવાને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.



ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલ, 2022માં શાકભાજી, ઘંઉ, ફળો અને બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવતા ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધી ને 8.35 ટકા થઇ ગયો છે. શાકભાજીના ભાવમાં 23.24 ટકા, બટાકાના ભાવમાં 19.84 ટકા, ફળોના ભાવમાં 10.89 ટકા, ઘંઉના ભાવમાં 10.70 ટકાનો વધારો થયો છે.



ઉલ્લેખનીય છે કે, છેલ્લા સળંગ 13 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં એટલે કે 10 ટકા કે તેનાથી વધુ રહ્યું છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવો 38.66 ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ફુગાવો 10.85 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં એપ્રિલ મહિનાના રીટેમલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. એપ્રિલમાં રીટેલ ફુગાવે 7.79 ટકા રહ્યો હતો. જે 8 વર્ષની ઉચ્ચ સપાટી હતી.



નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આરબીઆઇ જુન મહિનામાં વ્યાજ દરોમાં 40 બેઝિસ પોઇન્ટ અને ઓગસ્ટમાં 35 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવીશક્યતા છે. ગયા મહિને આરબીઆઇએ વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. જેના પગલે રેપોરેટ 4.40 ટકા થઇ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application