Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં હસ્તે ઉમરગામથી શાળા પ્રવેશોત્સવનો દબદબાભેર શુભારંભ

  • June 13, 2023 

માહિતી વિભાગ દ્વારા વલસાડ, નવી શિક્ષણ નીતિને પગલે બદલાયેલી સ્થિતિમાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને પણ શાળા પ્રવેશોત્સવનો લાભ મળ્યો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના વરદ હસ્તે ઉમરગામ તાલુકાના તળાવપાડા પ્રાથમિક શાળાથી જિલ્લામાં ઉજવણીનો પ્રારંભ થયો હતો. શાળાના શિક્ષકોએ બાળકોને કુમકુમ તિલક કરી ભેટ સોગાદો સાથે બાળકોને શાળામાં આવકાર્યા હતા. બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો.


આ યજ્ઞને આ વર્ષ ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ‘‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’’ની સંલોગ્ન સાથે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. પહેલાના સમયમાં બાળકો સ્કૂલે આવતા ડરતા હતા પરંતુ હવે બાળકો હોંશે હોંશે શાળાએ આવી રહ્યા છે. જે વડાપ્રધાનશ્રીની દુરંદેશીનું અભૂતપૂર્વ પરિણામ છે. નવી શિક્ષણ નીતિને પગલે બદલાયેલી સ્થિતિમાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને પણ આ વર્ષે શાળા પ્રવેશોત્સવનો લાભ મળી રહ્યો છે, જે પ્રોત્સાહક બાબત છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે શિક્ષણની ગુણવત્તા પણ વધી છે, જે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આજના દિવસે સ્કૂલમાં જ નહીં પરંતુ ગામમાં પણ ઉજવણીનો માહોલ હોય એવુ જણાઈ રહ્યું છે.


શિક્ષણ થકી જ દેશ પ્રગતિ માર્ગે તેજ ગતિથી આગળ વધી શકે છે. દીકરા-દીકરીને સમાન ધોરણે શિક્ષણ મળવુ જોઈએ. શિક્ષણ વિના જીવન જીવવું મુશ્કેલ બને છે. વધુમાં પ્રમુખશ્રીએ શિક્ષકોની જવાબદારી અંગે જણાવ્યું કે, સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી શિક્ષકોએ બાળકો સમજી શકે તે રીતે શિક્ષણ આપવુ જોઈએ અને સાથે બાળકોની નિયમિત હાજરી ઉપર પણ વિશેષ ધ્યાન આપવુ જરૂરી છે. કન્યા કેળવણી મહોત્સવ ઉપર પ્રકાશ પાડતા પ્રમુખશ્રીએ કહ્યું કે, દીકરીનું ૧૦૦ ટકા ભણતર થવુ જોઈએ. દીકરી ભણેલી હોય તો બે કુળને તારે છે. દીકરી શિક્ષિત હશે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની ઉપસ્થિતમાં પ્રાથમિક શાળા, તળાવપાડા, પ્રાથમિક શાળા ઈન્ડિયાપાડા અને પ્રાથમિક શાળા બોરલાઈમાં આ ઉજવણી દરમિયાન આંગણવાડી અને બાલવાટિકા બાળકોને દફતર કીટ, કંપાસ બોક્સ આપી નામાંકન કર્યું હતુ.


શાળાનાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપમાં રાજ્યકક્ષાના મેરિટમાં આવનાર તળાવપાડા અને ઈન્ડિયાપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના પ્રાંગણમાં પ્રમુખ અલકાબેનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની મુલાકાત લઈ SMC સાથે બેઠક યોજાઈ હતી. તળાવપાડા પ્રાથમિક શાળામાં હાલમાં ૧૦૯ કુમાર અને ૧૨૫ કન્યા મળી કુલ ૨૩૪ બાળકો અભ્યાસ કરે છે.


આંગણવાડીમાં ૩ વર્ષ પૂર્ણ કરનાર ૧ બાળક, બાલવાટિકામાં ૫ વર્ષ પૂર્ણ કરનાર ૧૯ બાળક અને ધો.૧ માં ૬ વર્ષ પૂર્ણ કરનાર ૧ બાળકનું નામાંકન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયાપાડા પ્રાથમિક શાળામાં હાલમાં ૬૧ કુમાર અને ૬૩ કન્યા મળી કુલ ૧૨૪ બાળકો અભ્યાસ કરે છે. આંગણવાડીમાં ૧ કુમાર અને ૧ કન્યા મળી ૨ બાળક, બાલવાટિકામાં ૧૦ કુમાર અને ૬ કન્યા મળી કુલ ૧૬ બાળક અને ધો. ૧માં ૧ કુમારને પ્રવેશ આપી ગુણવત્તાસભર શિક્ષણની શરૂઆત કરી હતી. બોરલાઈ-૨ પ્રાથમિક શાળામાં હાલમાં ૬૨ કુમાર અને ૭૮ કન્યા મળી કુલ ૧૪૦ બાળકો અભ્યાસ કરે છે. આંગણવાડીમાં ૨ કુમાર અને ૧ કન્યા મળી ૩ બાળકો, બાલવાટીકામાં ૮ કુમાર અને ૧૦ કન્યા મળી ૧૮ બાળકોને વાજતે ગાજતે પ્રવેશ અપાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application