વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે ૧૦૦ ટકા કોરોના રસી રક્ષિત વડોદરા જિલ્લો નું લક્ષ્ય સિદ્ધ કરવા હર ઘર દસ્તક નું અભિયાન રાજ્ય આરોગ્ય વિભાગની રૂપરેખા પ્રમાણે હાથ ધર્યું છે.આ અભિયાન હેઠળ આજે બપોર સુધીમાં ૯૦૦૦ થી વધુ લોકોને રસી મૂકવામાં આવી હતી.
આ અભિયાનને સફળ બનાવવા ૧૭૧ જગ્યાઓ એ રસી આપવામાં આવી રહી છે. સદસ્યો અને નિરીક્ષકોની બનેલી ૨૫૨ ટીમો ગામોમાં પહેલો ડોઝ નથી લીધો તેવા અને બીજો ડોઝ લેવાને પાત્ર થઈ જવા છતાં નથી લીધો એવા લોકો સાથે ચર્ચા અને સમજાવટ કરીને તેઓને રસી લઈ લેવા પ્રોત્સાહિત કરી રહી છે.
સાંજ સુધીમાં વડોદરા જિલ્લામાં પહેલો અથવા બંને ડોઝ લઈ લીધાં હોય એવા લોકોની સંખ્યા ૨૦ લાખથી વધી જવાની શક્યતા છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ અભિયાનમાં ખાસ કરીને જેઓ બીજો ડોઝ લેવાને પાત્ર થઈ જવા છતાં તે લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યાં છે,હવે કોવિડ જતો રહ્યો છે,કેસો નોંધાતા નથી એવા બહાના હેઠળ રસી લેવાનું ટાળી રહ્યાં છે એમને રસી લેવા માટે જૂથ ચર્ચા,પ્રત્યક્ષ સંવાદ અને સમજાવટ દ્વારા પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.
જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રોજે રોજ ઝૂમ મિટિંગ દ્વારા અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરશે અને કયા પ્રકારના અવરોધો અને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેની જાણકારી મેળવીને તેના નીવારણનું માર્ગદર્શન આપશે.
જિલ્લામાં પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ વિસ્તારો છે.ખાસ કરીને પાદરા તાલુકાના ૫ ગામો અને ડભોઇ પાદરાના આંશિક શહેરી વિસ્તારમાં આ સ્થિતિ છે.તેના સંદર્ભમાં વિશેષ વ્યૂહ રચના કરવામાં આવી છે.આ ગામોમાં વર્ગ ૧/૨ ના અધિકારીઓને સમજાવટ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
જે જ્ઞાતિઓમાં ઉદાસીનતા છે તે જ્ઞાતિઓના અગ્રણીઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.જે તે વિસ્તારમાં જે જ્ઞાતિના લોકો વધુ છે ત્યાં તે જ્ઞાતિઓના મેડિકલ ઓફિસર દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે.પાદરા તાલુકાના ભદારી જેવા ગામોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.
કોરોનાની રસીના બંને ડોઝ લેવા આરોગ્યના હિતમાં છે,સમજદારી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સૌ રસી લઈલે સૌ સુરક્ષિત બને એવો ખાસ અનુરોધ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500